શ્રેષ્ઠ શ્રાવક શ્રી કુમારપાળ મહારાજા

Wednesday 21 November 20120 comments


કુમારપાળનો જન્મ વિ.સં. 1149માંથયો હતો. તે સમયે ગુજરાતનો રાજા સિદ્ધરાજ જય સિંહ હતો અને શ્રી હેમચંદ્રાચાર્ય  તે સમયે ત્યાં વિચરી રહ્યા હતા. શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તેને વ્યાકરણ ગ્રંથ "સિદ્ધહેમ"ની રચના કરાવી હતી અને તેને હાથીની અંબાડી પર મુકીને આખા રાજ્યમાં શોભાયાત્રા કાઢી હતી.તેણે તેના શાસનકાળ દરમ્યાન ઘણા સ્થાપત્યો અને ગ્રંથોની રચના કરી હતી.

 સિદ્ધરાજ નિઃસંતાન હતો. આથી એકવખત શ્રી હેમચંદ્રાચાર્ય જયારે મહેલમાં પધાર્યા ત્યારે તેની માતા મીનળ દેવીએ આચાર્યને પ્રશ્ન કર્યો કે "સિદ્ધરાજને પુત્રપ્રાપ્તિ ક્યારે થશે?" ત્યારે આચાર્યે જવાબ આપ્યો કે "સિદ્ધરાજના નસીબમાં સંતાન સુખ નથી". તેથી મીનળદેવીએ તેના ઉત્તરાધિકારી વિષે પૂછ્યું તો આચાર્યે જણાવ્યું કે "સિદ્ધરાજ પછી ગુર્જર ગાદીએ દંડાધિકારી ત્રિભુવનપાળનો પુત્ર "કુમારપાળ" આવશે". અને પછી આચાર્ય ત્યાંથી પ્રસ્થાન કરી ગયા.

સિદ્ધરાજે જ્યારે જાણ્યું કે એના પછી કુમારપાળના ભાગ્યમાં ગુજરાતનું રાજ્ય છે, ત્યારે નિશ્ચય કર્યો કે આ કુમારપાળને આમ રાજા નહિ બનવા દઉ. આવા વિચારથી એણે કુમારપાળને મારી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા.  શ્રી હેમચન્દ્રચાર્ય સિદ્ધરાજની દુર્ભાવાના વિષે પહેલેથી જાણતાં હતાં, તેથી તેમણે રાજયના મંત્રી શ્રી ઉદયન જયારે તેમને પૌષધશાળામાં મળવા આવ્યા ત્યારે તેમની મદદથી ચોવીસ વર્ષના કુમારપાળને બીજાં રાજ્યોમાં મોકલી દીધો અને ત્યાં તે જુદા જુદા વેશે ભટકવા લાગ્યો. હેમચંદ્રાચાર્યની કુમારપાળ પર ઘણી કૃપા હતી,એમણે એને આ ગુપ્તવાસમાં ખુબ સહાય કરી હતી.

ભૂખથી તડપતો, રખડતો - ભટકતો કુમારપાળ એક જંગલ માંથી પસાર થઇ રહ્યો હતો. થાકેલો કુમારપાળ એક ઝાડનીચે આરામ કરવા બેઠો. એટલામાં એની નજર એક ઉંદર પર પડી તે ઉંદરના મુખમાં એક સોના મહોર હતી. તે ઉંદર સોના મહોર જમીન પર મૂકી દરમાં ચાલ્યો ગયો અને તે પાછો બીજી સોના મહોર દરમાંથી લઈ આવ્યો. આ રીતે તેને દરની બહાર સોનામહોરોનો ઢગલો કરી નાખ્યો. કુમારપાળે વિચાર્યું કે ઉંદરને આ સોનામહોર શું કામ આવશે? તેથી બધી સોનામહોરો તેણે લઈ લીધી. સોનામહોરો ગુમાવવાના આઘાતથી ઉંદર તરફડીને મૃત્યુ પામ્યો. ઉંદરના મૃત્યુ પામવાથી કુમારપાળને ખુબ અફસોસ થયો. તેને વિચાર્યું કે આચાર્યને મળીશ ત્યારે સઘળી હકીકત કહીને પ્રાયશ્ચિત લઈ લઈશ.

વિ.સં. 1199ના કારતક સુદ ત્રીજના દિવસે સિદ્ધરાજનું મૃત્યુ થયું. એ પછી મહિપાલ, કીર્તિપાલ અને કુમારપાળ વચ્ચે થયેલ રાજગાદી માટેની સ્પર્ધામાં કુમારપાળ ધીર અને સાહસમૂર્તિ સાબિત થતાં હાથણીએ એમના પર કળશ ઢોળ્યો. રાજા બન્યા પછી તેણે તેને મદદ કરનારઓનું સૌ પ્રથમ ઋણ ચુકવ્યું. અને પોતાના કારણે મારી ગયેલા ઉંદરની ઘટના શ્રી આચાર્યને કહી. આચાર્યે તે સ્થળે જીનાલય બંધાવવાની પ્રેરણા કરી. કુમારપાળ મંત્રીઓને લઈ અર્વલ્લીની પહાડીઓમાં આવેલી તારંગાની તળેટીમાં આવ્યો અને ત્યાં સુંદર જિન મંદિર બનાવવાનો આદેશ આપ્યો અને તેનું નામ "મૃષક વિહાર" રાખ્યું.

કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી એણે રાજ્યમાં જુગાર પર પૂર્ણ પ્રતિબંધ મુક્યો. અમારિ ઘોષણા કરી. એણે ધર્મઆજ્ઞા કરાવી કે, ``પ્રજા એકબીજાનાં ગળાં કાપી ગુજરાન ચલાવે, એમાં રાજાનો દુર્વિવેક છે. જૂઠું બોલવું એ ખરાબ છે. પરસ્ત્રાળ-સંગ કરવો તે તેથી ખરાબ છે, પણ જીવહિંસા તો સૌથી નિકૃષ્ટ છે. માટે કોઈએ હિંસા પર ગુજરાન ન ચલાવવું. ધંધાદારી હિંસકોએ હિંસા છોડવી અને તેમને ત્રણ વર્ષ સુધી ભંડારમાંથી ભરણપોષણ મળશે.'' અમારિ ઘોષણાનો અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. એણે અધિકારીઓને આજ્ઞા કરી કે મારા રાજ્યમાં જો કોઈ પણ જીવહિંસા કરે તો તેને ચોર અને વ્યભિચારી કરતાં પણ સખત શિક્ષા કરવી. મહારાજા કુમારપાળની આવી અહિંસા પ્રત્યેની ચાહના જોઈને પડોશી રાજાઓએ પણ પોતાના રાજમાં અહિંસાપાલનની ઘોષણા કરી. અમારિ ઘોષણા દ્વારા કુમારપાળે કતલખાનાં બંધ કરાવ્યાં. પશુપીડા પર પ્રતિબંધ મૂક્યો અને ગુજરાતમાં જે જીવદયાની ભાવના જોવા મળે છે તેના પાયામાં હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલાં કાર્યો કારણભૂત છે.

રાજાએ સવારમાં મંગલપાઠથી જાગવું, નમસ્કારના જાપ, `વીરતાગસ્તોત્ર', તથા `યોગશાસ્ત્ર'નો અખંડ પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમારપાળવિહારમાં ચૈત્ય પરિપાટી, ઘરદેરાસરમાં ભોજન-નૈવેદ્ય ધરીને જમવું, સાંજે ઘરદેરાસરમાં આંગીરચના, આરતી, મંગલદીવો, પ્રભુ સ્તુતિગુણગાન, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા એ તેમનો દૈનિક ધાર્મિક ક્રમ હતો. 14 વર્ષમાં 14 કરોડ સોનામહોરોનું દાન, 21 ગ્રંથભંડારોનું લેખન, 18 દેશોમાં અમારિ પાલન, 14 દેશોના રાજાઓ સાથે મૈત્રી, સાત તીર્થયાત્રાઓ, 1444 દેરાસરોનું નિર્માણ અને 1600 દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવનાર મહારાજા કુમારપાળ જૈન શાસનના અને ભારતીય ઈતિહાસમાં અદ્વિતીય અને આદર્શ રાજવી તરીકે ચિરસ્મરણીય બની રહ્યા.

કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્યની બેલડીના વખાણતો 2500 વર્ષ પહેલા શ્રી ભગવાન મહાવીરે તેમની દેશનામાં કરેલા હતા. જયારે શ્રી શ્રેણિક મહારાજા તેમની નારક ગતિને નિવારવા માટેના ભગવાને બતાવેલા પ્રયત્નોમાં નિષ્ફળ ગયા ત્યારે ભગવાને કહ્યું હતું કે "હું અને તું જે કામ નહિ કરી શકીએ તે કામ 2500 વર્ષ પછી આ "ગુરૂ - શિષ્યની બેલડી" કરશે".

84 વર્ષની ઉંમરે વિ.સં. 1229માં હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. ગુરુવિદાય પછી કુમારપાળ વિ.સં. 1230માં એંસી વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા.

કુમારપાળના પૂર્વ ભાવ વિષે વાત કરીએ તો તે જયતાક નામે લુંટારો હતો અને તેનું કામ ચોરી અને લુંટફાટ કરવાનું હતું. કાળાંતરે તે એક ધર્મપ્રેમી શેઠના સંપર્કમાં આવ્યો અને પછી જેમ "પારસનો સ્પર્શ થતાં લોખંડ સોનું  બને'' તેમ તેનું જીવન પરિવર્તન થઈ ગયું. એક દિવસ તે તેના શેઠ જોડે પૂજા કરવા જિનાલય ગયો અને તેને ત્યાં સ્વ દ્રવ્યથી ફુલ પૂજા કરવાનો ભાવ જાગ્યો. અને પછી તેને પોતાના 18 કોડીના ફૂલથી ભગવાનની ભક્તિ કરી અને તેના પ્રતાપે તે બીજા ભવમાં 18 દેશનો રાજા બન્યો. તેનું જીવનપરિવર્તન કરનાર શેઠ, આચાર્ય શ્રી યશોભદ્રસૂરીજી બન્યા હતા.

રાજા કુમારપાળે પોતાના જીવન ના છેલ્લા ૧૪ વર્ષમાં સાધર્મિક ભક્તિમાં ચૌદ કરોડ સોનામહોર ખર્ચ કર્યો.કુમારપાળ રાજા ત્રિભુવનપાળ વિહારમાં દરરોજ ૭૨ સામંતો તથા ૧૮૦૦ કરોડ પતિઓ સાથે અષ્ટપ્રકારી પૂજા કરતાં હતા. તેઓ હમેશાં પોતે નિર્માણ કરેલા ૩૨ દહેરાસરની ચૈત્યપરિપાટી કર્યાં પછી ભોજન કરતાં. કુમારપાળ રાજાએ ૧૪૪૪ નવી પ્રતિમાઓ ભરાવી, ત્રિભુવનપાળ વિહારમાં ૨૪ પ્રતિમાજી ચાંદીના તથા ૧૨૫ ઇંચ મૂળ નાયક શ્રી નેમનાથ પ્રભુની પ્રતિમા રીષ્ટ રત્નોથી બનાવી. એકજ જિનાલયમાં છન્નું કરોડ સોના મહોર ખર્ચ કર્યો.કુમારપાળ મહારાજાએ સાત મોટી તીર્થયાત્રા કરી. શ્રી સિદ્ધાચલજી, ગિરનારજી આદિ તીર્થોની યાત્રા  માં ૧૮૭૪ સુવર્ણ, રત્નમય દેવાલયો હતાં તથા ૭૨ રાણા અને ૧૮ હજાર કોટિધ્વજ શાહુકાર અને  લાખોની સંખ્યામાં શ્રાવકોના સંઘ સહિત યાત્રા કરી.મહારાજા કુમારપાળે સાતસો લહિયા બોલાવીને છ લાખ છત્રીશ હજાર આગમગ્રંથ લખાવ્યા. તેમાં પણ એકએક આગમની સાતસાત પ્રતો સુવર્ણાક્ષરથી લખાવી તથા હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણ અને ચરિત્રાદિક ગ્રંથોની એકવીસ પ્રતો લખાવી.અને લખાવેલ પુસ્તકોની સુરક્ષા માટે ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા. કુમારપાળરાજા શ્રી હેમચંદ્રાચાર્ય ને હંમેશા દ્વાદશાવર્ત વંદન કરીને સર્વ સાધુઓને વંદન કરતા હતાં. અને શ્રી હેમચંદ્રાચાર્ય ની ૧૦૮ સુવર્ણકમલ ધ્વારા નિત્યપૂજા કરતાં હતાં.તથા દરરોજ ૧૮૦૦ સાધર્મિકોને ધર્મોપકરણ આપતા હતાં.

કુમારપાળરાજા આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામીના પ્રથમ ગણધર થશે.


Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger