શ્રેણિક મહારાજા અને રાણી દુર્ગંધા

Wednesday 28 November 20120 comments




મગધની સુજલામ્ સુફલામ્ ધરતી પર રાજા શ્રેણિકનું રાજ તપતું હતું.રાજગૃહી શ્રીમંત નગરી હતી. જનગણ ઐશ્ચર્ય અને સમૃદ્ધિથી છલકાતો હતો. સ્ત્રી અને પુરૂષો યૌવનશ્રીથી છલકાતા હતા. ઉદ્યાનોની કુંજોમાં મયૂરની કેકારવ થતી અને મગધ કન્યાની પાંપણ પર શમણાંઓ સવાર થઈ જતાં.રાજગૃહીમાં કૌમુદી મહોત્સવ મંડાયો ત્યારે રંગ, ઉલ્લાસ અને પ્રમોદ હિલોળે ચડ્યા. બાળકો, યુવાનો, યુવતીઓ, પ્રૌઢો ઉદ્યાનમાં પહોંચીને કૌમુદીના ઉછળતાં રસસાગરમાં વિહરવા માંડ્યા. ચાંદીનીની જ્યોત્સનામાં ડૂબેલી રસભર પર્ણકુંજોમાં સૌના મર્યાદા બંધનો સરી ગયા. રાજા શ્રેણિક અને તેમની રાણીઓ અને તેમના પુત્રો કૌમુદી મહોત્સવમાં જોડાઈને આનંદ મસ્ત બની ગયા.વિશાળ ઉદ્યાનમાં જનપ્રવાહ ઉભરાયો હતો રાજા શ્રેણિક, મંત્રી અભયકુમાર અદના નાગરિક બનીને લોકપ્રવાહની વચ્ચે તણાતા હતા.

એ સમયે રાજા શ્રેણિક ચમક્યા. એમને કોઈની કચંગુલિનો કોમળ સ્પર્શ થયો અને દેહમાં રોમાંચક ઝણઝણાટી ફરી વળી. એમણે જોયું તો પોતાની બાજાુમાં જ એક અલ્લડ યુવતી વિસ્ફારિત નેત્રે રાજા શ્રેણિકને નિહાળી રહી હતી. રાજા શ્રેણિકનો હાથ એ કન્યાની છાતી પર પડ્યો હતો. કન્યા તાજાુબથી તેમને જોઈ રહી હતી !રાજા શ્રેણિકને તત્ક્ષણ સંકોચ થયો. એમણે હાથ પાછો ખેંચી લીધો. કિન્તુ એ પળભરના સ્પર્શે એમની કાયામાં યુવાની દોડતી કરી દીધી !રાજા શ્રેણિકે પળભરમાં કંઈક વિચારી લીઘું એમણે પોતાના વામહસ્તની રત્નજડિત અંગૂઠી ઉતારીને એ કન્યાના વસ્ત્રના છેડે બાંધી દીધી !કન્યા એ સમયે ‘કોઈ ક્રીડાસ્થળ તરફ જોઈ રહી હતી ! એની લાવણ્યભરી આંખોમાં ચાંચલ્ય ઉભરાતું હતું.શ્રેણિક રાજાએ મંત્રી અભયકુમારને એક તરફ દોરીને કહ્યું, ‘‘મારી રત્નજડિત વીંટી ખોવાઈ છે. એ વીંટી અને તે લેનાર બન્નેને હાજર કર.’’ચકોર અભયકુમાર ભલભલી ગૂંથ ઉકેલી નાંખવા માટે જાણીતા હતા. એમને મનમાં સંશય થયો.
એમને થયું કે મહારાજાના હાથમાંથી કિંમતી વીંટી તફડાવવાનું કાર્ય કોઈ સામાન્ય પ્રજાજન ન કરે.
નક્કી આ કાર્ય પિતાજીનું જ પરાક્રમ ! અભયકુમારની પિતૃભક્તિ પણ ગજબ હતી. એમણે ઉદ્યાનના ચારમાંથી ત્રણ દ્વાર બંધ કરાવ્યા. એક દ્વારમાંથી સર્વે નાગરિકોને બહાર નીકળવા વિનંતિ કરી. બહાર નીકળી રહેલા તમામ પ્રજાજનોની તપાસ આદરી. વીંટી પેલી અલ્લડ કન્યાના વસ્ત્રના છેડે મળી આવી !
અભયકુમારે કન્યાને પૂછ્યું, ‘‘આ વીંટી ?’’
એ કન્યાએ કહ્યું, ‘એ વીંટી મારી નથી. મારા વસ્ત્રના છેડે કોણે બાંધી તેની મને ખબર નથી !’
અભયકુમાર એ આહિર કન્યાને જોઈ રહ્યા. મદમસ્ત ગાયોના શેડકઢા દૂધની સુગંધ એ કન્યાના ચહેરા પર છવાઈ હતી. અભયકુમાર સમજી ગયા કે રાજા શ્રેણિકને આ કન્યાનો નશો ચઢ્યો છે ! અભયકુમારે એ કન્યાને રાજાના રાણીવાસમાં મોકલી આપી.મહારાજા શ્રેણિકે રાણીવાસમાં પહોંચીને ગાંધર્વ વિવાહ કરી લીધા !

એક સમયની વાત છે.અંતઃપુરમાં હજારો દીપકોની પ્રકાશમાળા રચાઈ હતી. ભવ્ય શયનખંડમાં રાજા શ્રેણિક યુવાન રાણી સાથે ક્રીડા કરતા હતા. શર્ત એવી હતી કે જે હારે તે ઘોડો ઘોડો રમવા દે !
- અને રાજા શ્રેણિક હાર્યા.ખિલખિલાટ હસતી યુવાન આહિર કન્યા રાજા શ્રેણિકની વિશાળ પીઠ પર ચડી ગઈ !ખંડમાં હાસ્યનું હુલ્લડ ફેલાઈ ગયું.કિન્તુ એ જ ક્ષણે રાજા શ્રેણિકના દિમાગમાં ભૂતકાળની એક ક્ષણનો ચમકારો થયો. એ શાંત થઈ ગયા. પલંગની એક કોર પર બેસી ગયા. એમના નેત્રો સન્મુખ એક દ્રશ્યાવલિ રચાઈ ગઈ.રાજા શ્રેણિક પરિવાર સાથે ભગવાન મહાવીરને વંદનાર્થે જતા હતા. કોટની રાંગ પાસેથી રથ પસાર થતો હતો. અચાનક માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવી અને સૌએ નાક આડે હાથ દીધા. શ્રેણિક રાજાને જિજ્ઞાસા થઈ કે આવી ભયાનક દુર્ગંધ ક્યાંથી આવે છે ? એ સ્વયં જોવા ચાલ્યા. જોયું તો કાદવાના ખાબોચિયા પાસે એક બાળકીનો દેહ પડ્યો હતો. તેના દેહમાંથી ભયંકર દુર્ગંધ છૂટતી હતી.
સમવસરણમાં જઈને શ્રેણિક રાજાએ પ્રભુને પૂછ્યું,‘પ્રભુ, આ જીવનો કેવો પાપોદય કે આવો દુર્ગંધમય દેહ ! પાછી જણનારી પણ કેવી ક્રૂર કે આમ ત્યજી ગઈ ? પ્રભુ, શું એ બાળકી જીવશે ? કેવો હશે તેનો પૂર્વભવ ?’
રાજા શ્રેણિકે અનેક પ્રશ્નોની હારમાળા પ્રભુ સમક્ષ વેરી દીધી.પ્રભુના મુખ પર સ્મિત છવાયું. જ્ઞાનના પ્રકાશમાં લોકાલોક નિહાળતા શ્રી વીર સ્વામી બોલ્યાઃ‘ભાઈ, કર્યા કર્મ કોઈને છોડતો નથી. આ કન્યા પૂર્વભવમાં સુંદર યુવતી હતી. સદાય સોળ શણગાર સજીને ધૂમતી હતી. દુર્ગંધ એનાથી ખમાતી નહોતી. રજકણ એનાથી સહેવાતી નહોતી. એકદા એના ઘરે તપસ્વી મુનિરાજ વહોરવા આવ્યા. મેલાંઘેલાં વસ્ત્રો, સ્નાન કર્યા વિનાનો દેહ પિતાએ પુત્રીને આદેશ કર્યો કે મુનિવરને વહોરાવ. કન્યાએ ભક્તિથી વહોરાવ્યું. તેનું ખૂબ પુણ્ય બાંઘ્યું. પણ મુનિના દેહમાંથી આવતી દુર્ગંધ એનાથી સહેવાઈ નહીં. એણે નિંદા કરી. એણે ખૂબ પાપ બાંઘ્યું. આ બધી જ વાત આ જન્મે ઉદયમાં આવી. એ એક વેશ્યાની કૂખે જન્મેલી બાળકી છે પાપના ઉદયે તે ત્યજી દેવાઈ છે અને તેના દેહમાંથી ભયંકર દુર્ગંધ વછૂટી રહી છે !’
‘ઓહ ! કેવું ગજબ ! શું એ બાળકી જીવશે ?’
‘રાજન્, એ બાળકી જીવશે અને એકદા તમારી પટ્ટરાણી બનશે. તમારી પીઠ પર સવાર થશે !’
‘હેં !’
રાજા શ્રેણિકે પાછા વળતા તપાસ કરી તો ખબર પડી કે એ બાળકીને કોઈ નિઃસંતાન ભરવાડણ પોતાના ઘરે લઈ ગઈ છે !
સમય ક્યાં કદી રોકાય છે ? ગંડકી નદીમાં અનેક પાણી વહી ગયા. વર્ષો પર વર્ષો વીતી ગયાં.
રાજા શ્રેણિકને પીઠ પર ચડેલી આહિર કન્યાએ ભૂતકાળની કથા સ્મરણમાં આણી દીધી.
પલંગની એક કોર પર સ્તબ્ધ બેઠેલા રાજાને જોઈને યુવાન રાણી શાંત બની ગઈ. તેણે હઠ કરીને પૂછ્યું કે તમે એકદમ ચૂપ કેમ થઈ ગયા તે કહો !
રાજા શ્રેણિકે યુવાન રાણી દુર્ગંધાને તેના જીવન વિશે કહ્યું.
અલ્લડ, તોફાની, મોજીલી યુવાન રાણી ક્ષણવારમાં શાંત થઈ ગઈ. ક્ષણવારમાં કર્મના ખેલ સમજી ગઈ. ક્ષણવારમાં વૈરાગ્યના રંગથી રંગાઈ ગઈ.
પ્રભુ મહાવીર પાસે જઈને તેણે દીક્ષા લીધી.
રાજા શ્રેણિકે સજળ નેત્રે દુર્ગંધા રાણીને ભવભીની વિદાય આપી.

પ્રભાવના
આ દેહને માટે ધરતી પર કેટલી જગ્યા જોઈએ ? જેણે ‘સત્યમ્’નું કૌભાંડ કરેલું તેની પાસે ૬૦’ દેશોમાં બંગલા છે તેમ કહે છે પણ તે જેલ અને હોસ્પિટલમાં જ રહે છે ! 
બુ્રનેઈના સુલતાન હસન અલી બાલ્કીહાની મહેલની વાત જાણી લો  તેના પેલેસ ઈસ્તાના નરૂલ ઈમોનની ૨૧, ૫૨, ૭૮૨ ચોરસ ફૂટ વિસ્તારમાં ૧૭૮૮ રૂમ્સ છે. 
માઈકલ જેક્સનનો કેલીફોર્નિયામાં મોટો બંગલો-રાન્ચ છે. તે ૨૬૦૦ એકરના વિશાળ વિસ્તારમાં છે. ત્યાં તળાવ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, પાર્ક, ઝૂ બઘું જ છે. પણ માઈકલ અત્યારે તો કબરમાં છે ને જગ્યા ૬’’૪ જેટલી જ છે ! ખરેખર, માણસને રહેવા માટે કેટલી જગ્યા જોઈએ ?
સંતોષ નામની સરિતાના કિનારે જ સુખના પુષ્પો વેરાયેલા પડ્યાં છે એ ચૂંટીશું ?

- આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger