પારિભાષિક શબ્દોના અર્થ

Friday 30 November 20120 comments

૧. અરિહંત : જેઓ ચારઘાતિ કર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામી દેવ રચિત સમવસરણમાં બેસે છે, અને બાર પર્ષદાની મધ્યમમાં ભવ્યજીવોને ઉપદેશ આપે છે, તેને અરિહંત પરમાત્મા કહે છે.

૨. સિદ્ધ : જે આઠ કર્મથી મુક્ત, નિરંજન,નિરાકાર સ્વરૂપ સિદ્ધ શીલાપર બીરાજમાન હોય તે સિદ્ધ ભગવંત છે.

૩. પરમેષ્ઠી : પરમ શ્રેષ્ઠ સ્થાન પર રહેનાર પરમેષ્ઠી છે.

૪. સામાયિક : ૪૮ મિનીટ માટે અવિરતિ ત્યાગીને વિરતિમાં આવવાની ક્રિયા,જેમાં સમતાનો લાભ થાય છે.

૫. પ્રતિક્રમણ : પાપથી પાછા હટાવાની ક્રિયા.

૬. સુક્ષ્મ : એવા જીવો ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે,પણ કોઈપણ પ્રકારના શસ્ત્રથી જેનું છેદન ભેદન થઇ શકતું નથી,અગ્નિ થી બાળી શકાતા નથી,ચર્મ ચક્ષુ થી દેખાતા નથી. આ જીવોને  સુક્ષ્મ નામકર્મનો ઉદય હોય છે.

૭. બાદર : જે નિયત સ્થાનવર્તી છે,પરંતુ કોઈપણ વસ્તુનું છેદન ભેદન કરવામાં સમર્થ નથી, અને બીજી વસ્તુ ધ્વારા છેદન ભેદન થઇ શકે છે,જેને અગ્નિ બાળી શકે, ચર્મ ચક્ષુથી જોઈ શકાય એવા બાદર નામકર્મના ઉદયવાળાને બાદર કહે છે.

૮. અવ્યવહાર રાશિ વાળા જીવ : જે જીવ અનંત પુદગલ પરાવર્તકાળથી નીગોદમાં રહે છે,હજી સુધી ક્યારેય પણ નિગોદનું સ્થાન છોડીને બહાર પૃથ્વીકાયાદિ સ્વરૂપ વ્યવહારમાં આવ્યાજ નથી તેને અવ્યવહારરાશિ વાળા જીવ કહે છે.એક જીવ સિદ્ધિગતિ પ્રાપ્ત કરે ત્યારે એક જીવ જેની ભવિતવ્યતા પરિપક્વ થઇ હોય તેવો જીવ અવ્યવહાર રાશિ નિગોદ માંથી બહાર નીકળે છે.

૯. વ્યવહાર રાશિ : જે જીવ એકવાર પણ અવ્યવહારરાશિ નિગોદનું સ્થાન છોડીને તથા ભવ્યત્વ પરિપક્વ થવાના કારણે પૃથ્વીકાય વગેરેમાં આવે તેને વ્યવહારરાશિ વાળા જીવ કહેવાય.

૧૦. પર્યાપ્તિ : આહારાદિ પુદગલને ગ્રહણ કરીને તેને શરીર,ઇન્દ્રિય,શ્વાસો શ્વાસ, ભાષા,મન આદિ સ્વરૂપે પરિણમન કરવાની જીવની જે પૌદગલિક શક્તિ જેની વિશેષ તેને પર્યાપ્તિ કહે છે.

૧૧. પર્યાપ્તા : જે જીવને જેટલી પર્યાપ્તિ હોય તેટલી પૂરી કરીને મૃત્યુ પામે તેને પર્યાપ્તા જીવ કહે છે.

૧૨. અપર્યાપ્તા : પોતાને યોગ્ય પર્યાપ્તિ હોય પરિપૂર્ણ કરતાં પહેલા મૃત્યુ પામે તેને અપર્યાપ્તા કહે છે.

૧૩. સંજ્ઞિ : જેને મન સંજ્ઞા હોય છે તે સંજ્ઞિ કહેવાય છે.

૧૪. અસંજ્ઞિ : જેને મન સંજ્ઞા ન હોય તે અસંજ્ઞિ કહેવાય છે.

૧૫. અસ્તિકાય : પ્રદેશોના સમુહને અસ્તિકાય કહે છે.

૧૬. ધર્માસ્તિકાય : જીવ અને પુદગલને ગતિ કરવામાં સહાયભૂત અજીવદ્રવ્ય ને ધર્માસ્તિકાય કહે છે.

૧૭. અધર્માસ્તિકાય : જીવ અને પુદગલને સ્થિર રહેવામાં સહકારી કારણભૂત અજીવ દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે.

૧૮. પુદગલ : સડન,પડન,વિધ્વંસ વગેરે અલગ સ્વભાવવાળા અજીવ પદાર્થોને પુદગલ દ્રવ્ય કહે છે. તેના સ્કંધ,દેશ,પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ છે.

૧૯. પરમાણું : સ્કંધ અથવા દેશથી અલગ થયેલા નિર્વિભાજ્ય સુક્ષ્મતમ અંશત પરમાણું કહે છે.

૨૦. ભવાભિનંદી : ભવ એટલે સંસાર, અભિનંદી એટલે સારો અર્થાત સંસારને સારો (સારભૂત) માનવાવાળા જીવને ભવાભિનંદી કહે છે.

૨૧. પુદગલાનંદી : દેહ,પુદ્દ્ગલ તથા જડ વસ્તુઓમાં આનંદ માનનારા પુદગલાનંદી છે.

૨૨. આત્માનંદી : આત્માના જ્ઞાનાદિ ગુણોમાં આનંદ માને તે આત્માનંદી છે.

૨૩. સમુદ્રઘાત : આત્મા પોતાના પ્રદેશોને બહાર પ્રસારણ અને સંકુચન કરે છે,અને આ પ્રમાણે કર્મ ના અંશોને ઉદીરણા ધ્વારા પહેલેથીજ ઉદય માં લાવીને પ્રબળતાથી ઘાત કરે-તે ક્રિયાને સમુદ્રઘાત કહે છે.

૨૪. કર્મભૂમિ : જ્યાં અસિ,મસિ,કૃષિ નો વ્યાપાર હોય તેને કર્મભૂમિ કહેવાય છે.

૨૫. અકર્મભૂમિ : જે ક્ષેત્રમાં અસિ,મસિ,કૃષિનો વ્યાપાર નહોય તથા યુગાલિકનો વ્યવહાર જ્યાં હોય તેને અકર્મભૂમિ કહેવાય છે.

૨૬. ઉત્સર્પિણી કાળ : જે કાળમાં જીવોના સંઘયણ અને સંસ્થાન અનુક્રમે અધિકાધિક શુભ હોય,આયુષ્ય, શરીરપ્રમાણ વધતું જાય તથા કર્મ,બળ,વીર્ય,પુરુષાર્થ અને પરાક્રમની દિવસે દિવસે વૃદ્ધિ થાય તેને ઉત્સર્પિણી કાળ કહે છે.

૨૭.અવસર્પિણી કાળ : જે કાળમાં શરીરની અવગાહના,બળ,આયુષ્ય,કર્મ,વીર્ય,પુરુષાર્થ વગેરે હીન-હીન થાય તેને અવસર્પિણી કાળ કહે છે.

૨૮. નીરૂપક્રમ આયુષ્ય : કોઈપણ મરણાંન્તિક ઉપસર્ગ આવે, કોઈપણ ઉપઘાત લાગેતો પણ જે આયુષ્ય તૂટે નહિ તેને નિરૂપક્રમ આયુષ્ય કહે છે.તીર્થંકરો,ચક્રવર્તી,વાસુદેવ,બળદેવ,તથા દેવતા-નારકીનું આયુષ્ય નીરૂપક્રમ હોય છે.

૨૯. સોપક્રમઆયુષ્ય : જે આયુષ્ય સાત પ્રકારે ઉપઘાત લાગતા તૂટી શકે છે, તેને સોપક્રમઆયુષ્ય કહે છે.

૩૦. નય : પદાર્થોને જોવાના જે અલગ અલગ દષ્ટિબિંદુ,તેને જૈનશાસન માં નય કહે છે.દરેક પદાર્થ ને જોવામાં અનેક દ્રષ્ટિ હોય છે. અને દરેક પદાર્થો માં અનેક ધર્મો રહેલા છે.

૩૧. કર્મ : જીવ ધ્વારા હેતુ પૂર્વક જે કંઈપણ હિંસાદિ પાપ સ્વરૂપ અશુભ અથવા શુભક્રિયા થાય છે.આ ક્રિયા ધ્વારા ઉપાર્જન કરેલા કાર્મણવર્ગણાનાં પુદ્દ્ગલોનો આત્માની સાથે ક્ષીર-નીર ની જેમ એકાકાર સબંધ થવો તેને જૈન દર્શન માં કર્મ કહે છે.

૩૨. ચરમ શરીર : જે જીવાત્મા તેજ ભવમાં મોક્ષગામી હોય,અસાધારણ ગુણોનો સ્વામી હોય અને તે પ્રથમ સંઘયણ વાળોજ હોય તેને ચરમ શરીરી કહેવાય.

. કર્મવાદી : કર્મના સિદ્ધાંતને માનનાર.
. આશાતના : પાપ લાગે તેવું અવિનય વાળું આચરણ.
. જયણા પૂર્વક : જીવરક્ષાની ચિંતા પૂર્વક.
. જાતિસ્મરણ જ્ઞાન : પૂર્વ જન્મ બતાવનારું જ્ઞાન.
. પરીષહ : આફત, ઉપસર્ગ, દર્દ આપનાર.
. બોધિબીજ : મોક્ષનું શ્રદ્ધા રૂપી 'સમકિત' બીજ.
. શ્રુતધર : મહાજ્ઞાની.
. સમકિત : મોક્ષ માર્ગની શુદ્ધ શ્રદ્ધા.
. બાર પર્ષદા : સમવસરણમાં દેશના સંભાળવા બેઠેલી ૧૨ પરિષદો.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger