જમ્બુકુમાર

Wednesday 28 November 20120 comments


મગધ દેશની પુણ્યભૂમિ પર રાજગૃહી નગર સુખથી છલકાય છે. રાજગૃહી નગરીમાં રાજા કોણિકનું રાજ તપે છે.
રાજગૃહી નગરમાં રુષભદત્ત નામે ધનાઢ્‌ય શેઠ વસે છે. તેમના ધર્મપત્નીનું નામ ધારણીદેવી. તેમના સુપુત્રનું નામ જમ્બુકુમાર.
જમ્બુકુમાર સોળ વર્ષનો કલૈયો કુંવર છે. હેમના હિંડોળે હીંચે છે. સુવર્ણની પાટે સૂવે છે. અત્યંત બુદ્ધિશાળી જમ્બુકુમાર સંસારના શ્રેષ્ઠ સુખોમાં મહાલે છે. માતા પિતાનો એકનો એક લાડકવાયો પુત્ર છે. રુષભદત્ત શેઠે જમ્બુકુમારના આઠ આઠ કન્યાઓ સાથે લગ્ન નક્કી કર્યા છે. ધરતી પરની અપ્સરાઓ જેવી આઠ કન્યાઓ જે જુએ તે હોંશ ગુમાવી દે તેવી રૂપવતી છે. જેવી એ કન્યાઓ રૂપવતી છે તેવી જ સંસ્કારવતી છે.
સવારની વેળા છે.
રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરના પટધર સુધર્માસ્વામિ મહારાજ પધાર્યા. સમતાના સરોવર અને જ્ઞાનના સાગર સુધર્માસ્વામિ મહારાજ પધાર્યા એટલે વનપાળ શેઠને વધામણી દેવા દોડ્યા.
સ્થાપત્યના અદભુત નમૂના જેવી વિશાળ હવેલીના પ્રાંગણમાં જમ્બુકુમાર હેમના  હિંડોળે હીંચતા હતા. વનપાળે આવીને વધામણી આપી કે ગુરુદેવ સુધર્માસ્વામિ પધાર્યા છે. આ સાંભળીને જમ્બુકુમારને અત્યંત હર્ષ થયો. આવી રૂડી વધામણી બદલ ગળામાંથી મોતીની કંઠી કાઢીને જમ્બુકુમારને વનપાળને આપી. વનપાળ રાજી રાજી થઈ ગયો.
યુવાન જુમ્બુકુમારે સારથી પાસે રથ જોડાવ્યો. જમ્બુકુમારજ્ઞાની સુધર્માસ્વામિ મહારાજને વંદન કરવા પહોંચ્યા.
એ દિવસે ગણધર સુધર્માસ્વામિ મહારાજે પોતાના પ્રવચનમાં વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. સંસારની નશ્વરતા સમજાવી.
જમ્બુકુમારના અંતરમાં વૈરાગ્યનો દીવો પ્રગટ થયો. એમણે કહ્યું: ‘હે ગુરુદેવ, આપનો ઉપદેશ સાંભળીને મને દીક્ષા લેવાની ભાવના થાય છે. હું માતા પિતાની સંમતિ લઈને આવું ત્યાં સુધી આપ અહીં જ સ્થિરતા કરજો.’
સુધર્માસ્વામિએ સંમતિ આપી.
જમ્બુકુમાર પાછા વળતા હતા ત્યારે નગરના પ્રવેશદ્વાર પાસે લશ્કર પસાર થતું હતું.
ભીડનો પાર નહોતો. એટલે તે નગરના બીજા પ્રવેશદ્વાર પાસે ગયા. ત્યાં એક લોઢાનો મોટો ગોળો અચાનક એમના રથ પાસે પડ્યો.
જમ્બુકુમાર વિચારતા થયા કે કદાચ આ ગોળો મારા રથ પર પડ્યો હોત તો અહીં જ મારું મૃત્યુ ન થઈ જાત? અને જો મારું મૃત્યુ થઈ જાત તો મારા આત્માની શું દશા થાત?
વૈરાગ્ય વિનાનું જીવન અને વ્રત વિનાનું જીવન કોઈ મૂલ્ય ધરાવતું નથી. જમ્બુકુમારે રથ પાછો વાળ્યો. ગુરુદેવ સુધર્માસ્વામિ મહારાજ પાસે જઈને કહ્યું: ‘હે ગુરુદેવ, મને આજીવન બ્રહ્મચર્ય મહાવ્રતની પ્રતિજ્ઞા આપો.’
સુધર્માસ્વામિ પાસે વ્રત ગ્રહણ કરીને જમ્બુકુમાર ઘરે આવ્યા. માતા પિતાને વિનંતી કરી તે મને દીક્ષા લેવા માટે અનુમતિ આપો.
રુષભદત્ત શેઠ અને ધારિણી શેઠાણીના દુઃખનો પાર ન રહ્યો. એમણે પુત્રને સમજાવવા માંડ્યો કે, ‘બેટા, ચરિત્ર ગ્રહણ કરવું ખૂબ કઠીન છે. વ્રત તો ખાંડાની ધાર જેવું છે. તું તો હજી યુવાન છે. તારાથી સાઘુના આકરા વ્રત કેવી રીતે પળાય? વળી તું અમારો એકનો એક લાડકવાયો પુત્ર છે. તારા વિના અમે જીવન કેમ જીવીશું?’
જમ્બુકુમારે માતાપિતાને કહ્યું કે સાઘુ જીવન ખૂબ મુશ્કેલ છે એ વાત સાચી, પરંતુ હું તમારો પુત્ર છું અને જે વ્રત ગ્રહણ કરીશ તેનું હું બરાબર પાલન કરીશ, જે પંથે હું ચાલીશ તે પંથે શૂરવીર બનીને પાર ઉતરીશ.
માતા પિતાની આંખોમાં આંસુની ધારા વહી. જમ્બુકુમારને ખૂબ સમજાવ્યો. એ ન માન્યો ત્યારે ધારિણીદેવીએ કહ્યું, ‘બેટા, તારી જો સંયમ લેવાની ખૂબ જ ઇચ્છા હોય તો તારે એક વાત તો અમારી માનવી જ પડશે કે તારા માટે અમે જે કન્યાઓ નક્કી કરી છે તેની સાથે લગ્ન કરવા પડશે અને ત્યાર પછી તને યોગ્ય લાગે તો દીક્ષા ગ્રહણ કરજે.’
જમ્બુકુમારે હામી ભણી.
સંઘ્યા સમયે રુષભદત્ત શેઠે આઠેય કન્યાઓના માતાપિતાને બોલાવ્યા. તેમને જણાવ્યું કે અમારો પુત્ર લગ્ન કરીને તુરંત દીક્ષા ગ્રહણ કરવાનો છે. એ અમારા આગ્રહને કારણે જ પરણી રહ્યો છે. હવે આપને જે વિચાર કરવો હોય તે કરો.
આઠેય કન્યાઓના માતાપિતાઓએ પોતાની પુત્રીઓને જમ્બુકુમારની ભાવના જણાવી. સૌએ વિચાર્યું કે જમ્બુકુમારને દીક્ષા લેવી હોય તો ભલે લે, પણ આપણી પુત્રીના લગ્ન તો કેવી રીતે કરાય?
તે સમયે સંસ્કારથી છલકાતી આઠેય કન્યાઓએ કહ્યું કે, ‘પિતાજી, આપ અમારી ચંિતા ન કરો. અમે તો જમ્બુકુમારને મનથી વરી ચૂકી છીએ. હવે એમનો જે પંથ તે અમારો જીવનપંથ. તેઓ જો વૈરાગ્યને માર્ગે ચાલશે તો અમે પણ દીક્ષા ગ્રહણ કરીશું. પણ પરણીશું તો એ યુવાનને જ.’
આઠેય કન્યાઓના માતાપિતાની આંખોમાં પોતાની પુત્રીઓના સંસ્કાર જોઈને ગૌરવ છલકાયું. તેમની છાતી ગજગજ ફુલી.
શુભ મુહૂર્તે લગ્ન લેવાયા. આખું રાજગૃહી લગ્નના ઉત્સવમાં ઉમટ્યું. રાજા કોણિક પોતાના પુત્રના હોય તેમ ઉલટભેર મહાલ્યા.
પરણ્યાની પહેલી રાત છે. જમ્બુકુમાર પોતાની સ્ત્રીઓ સાથે શયનખંડમાં બેઠા છે. આખો સંસાર અચરજ પામે એવી ઘટના એ રાતે બની. જમ્બુકુમારે પોતાની પત્નીઓ સાથે વૈરાગ્યની વાતો માંડી. આઠેય કન્યાઓએ રૂપાની ઘંટડી જેવા અવાજે કહ્યું: ‘હે સ્વામિનાથ, આપ જે કહો છો તે અમને પણ ગમે છે. અમે પણ તમારા પગલે પગલે ચાલીને દીક્ષા ગ્રહણ કરીશું. આત્માનું કલ્યાણ કરીશું.’
સવાર પડી.
જમ્બુકુમાર આઠેય કન્યાઓ સાથે શયનખંડમાંથી બહાર આવ્યા. રુષભદત્ત શેઠ અને ધારિણીદેવીને પ્રણામ કરીને કહ્યું, ‘હે માતા પિતા, અમે સૌ દીક્ષા લેવા માટે ઇચ્છા ધરાવીએ છીએ. આપ આજ્ઞા આપો.’
માતા પિતા કહે: ‘બેટા, તમે આવી યુવાનવયે દીક્ષા લેવા જાઓ છો તો અમારે સંસારમાં રહીને શું કામ છે? અમે પણ ગુરુદેવ પાસે જઈને દીક્ષા લઈશું.’’
વૈરાગ્યની આવી અનોખી જ્યોતિ પ્રગટેલી જોઈને આઠે કન્યાના માતાપિતા દોડી આવ્યા. એમણે કહ્યું: ‘હે જમ્બુકુમાર, હવે અમારે પણ સંસારમાં રહીને શું કામ છે?’ અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું.’
એ દિવસે જમ્બુકુમારના ભવનમાં ચોરી કરવા આવેલા પ્રભવ ચોર અને તેના પાંચસો સાથીઓ આ અદ્‌ભૂત ઘટના જોઈને વૈરાગ્યથી ભીંજાઈ ગયા. તે સૌએ જમ્બુકુમારના ચરણમાં પ્રણામ કરી કહ્યું: ‘હે યુવાન, તારી યુવાનીને ધન્ય છે. તારા સંસ્કારને ધન્ય છે. અમે તો ચોરી કરવા આવેલા. પણ તેં અમારું દિલ ચોરી લીઘું. અમને પણ સંસાર પરથી મોહ ઉતરી ગયો છે. અમે પણ તારી સાથે દીક્ષા લઈશું.’
જમ્બુકુમારે એકસાથે પાંચસો છવ્વીસ જણા સાથે ગણધર સુધર્માસ્વામિ પાસે દીક્ષા લીધી.
જમ્બુકુમારે પવિત્ર જીવન જીવ્યું, ઉત્તમ વ્રતો પાળ્યા. એમને કેવળજ્ઞાન થયું. કહેવાય છે કે ભગવાન મહાવીરની પરંપરાના તેઓ અંતિમ કેવળી થયા.
મહાન પુણ્યશાળી જમ્બુકુમારના પ્રથમ શિષ્ય એ આચાર્ય પ્રભવસ્વામિ. વિદ્યામાન સકળ જૈન સંઘના તે આદિ ગુરુ.

પ્રભાવના
જિનેશ્વર ભગવાનના જન્માભિષેકનું મંગળમય વર્ણન એટલે સ્નાત્રપૂજન. સ્નાત્રપૂજાનું સદાય આકર્ષણ થાય તેવું છે. કેટલીક વ્યક્તિઓ, કેટલીક વસ્તુઓ પોતાનું ચિરંજીવ મૂલ્ય ધરાવે છે. ફૂલોની સુવાસ બધાને ગમે છે. નદીનું આકર્ષણ ક્યારેય જતું નથી. આકાશનું મેઘધનુષ આકર્ષક હોય છે. ભગવાન પણ સર્વશ્રેષ્ઠ આકર્ષણ પેદા કરનારા છે. એ મૂલ્ય કદીય ઘટવાનું નથી. જિનેશ્વર ભગવાનનું કોઈપણ કાર્ય જગતને આકર્ષણરૂપ થાય છે. જિનેશ્વર ભગવાનનું પ્રત્યેક કાર્ય સૌના કલ્યાણ માટે જ હોય છે. પરોપકારી પંથ યશસ્વી પંથ છે. બીજાને માટે કલ્યાણની ભાવના રાખવી એટલે હૃદયમાં અમૃત પ્રગટાવવું.

- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger