ખંધક મુની

Thursday 13 December 20120 comments

   

જીતશત્રુ નામે એક ન્યાયપ્રિય રાજા હતો. તેને ધારીણી નામે ધર્મનિષ્ઠ રાણી હતી. તેમને એક ગુણવાન પુત્ર હતો. પૂર્વભવના ધર્મસંસ્કારોના પરિણામે તે રાજપુત્રનું મન ઘરમાં લાગતું ન હતું. એક દિવસ ગામમાં ધર્મઘોષસુરીજી મહારાજ પધાર્યા હતા. તેમનો ત્યાગમય ઉપદેશ સૌને ગમી ગયો. આ રાજપુત્રને પણ ગમી ગયો. વૈરાગ્યમય ઉપદેશ સાંભળી તેનું મન હવે સંસાર ઉપરથી ઉઠી ગયું. ઘરે જઈને તેણે માતા પિતા પાસે  ચારિત્ર લેવાની અનુમતિ માંગી. તેઓએ રાજી ખુશીથી રજા આપી. રજા મળતા કુમારે દીક્ષા લીધી. તેમનું નામ ખંધક મુની.

     મુનિવરે દીક્ષા લીધા પછી આત્મ કલ્યાણ કરવા છઠ્ઠ - અઠ્ઠમ જેવી ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. તપશ્ચર્યાથી તેમનું શરીર સુકાઈ ગયું. ચાલતા અંદરના હાડકા પણ ખડ ખડ અવાજ કરવા લાગ્યા. તેઓને કોઈ પણ જીવ પર રાગ નથી કે દ્વેષ. એવા એ સમતા ધરનાર મુનિવર હતા. સંકટોને પણ એ હસ્તે મોઢે સહન કરી લેતા.

     એક દિવસ વિહાર કરતાં કરતાં એમની બહેનના ગામમાં પધાર્યા. એમની બહેન આ ગામની રાણી હતી.સવારના સમયે બેન-બનેવી ગોખમાં બેઠાં બેઠાં રસ્તાના દેખાવો જોતાં હતાં. રાણીની નજર દૂરથી આવી રહેલા આ તપસ્વી મુનિવર પર પડી. ઘણાં વર્ષો પછી ભાઈ-બહેનનો ભુલાયેલો સંબંધ યાદ આવ્યો. ભાઈનું અત્યંત સુકાઈ ગયેલું શરીર જોઇને બહેનને ઘણું દુઃખ થયું અને આંખોમાંથી આંસુ સરી પડ્યાં. તેણીએ વિચાર્યુકે શું આજ મારા ભાઈ છે? પહેલાં તો મારા ભાઈનું શરીર કેવું હૃષ્ટ પુષ્ટ હતું, અને આજે હાડપિંજર જેવું થઇ ગયું છે! ચાલતા ચાલતા અંદરના હાડકાં પણ ખડ ખડ થાય છે.

     રાણીની આંખોમાંથી અણધાર્યા આંસુ જોઈ રાજાને વહેમ પડ્યો. વિચાર કર્યા વગર ગુસ્સામાં આવીને રાણીને ખબર પડે નહિ તેમ સેવકોને હુકમ કરી દીધો કે 'જાઓ, આ સાધુની ચામડી ઉતારી લાવો.' રાજસેવકોએ તપસ્વી મુનિને રાજાની આજ્ઞા દુઃખિત મને કહી. મુની કોઈ પણ સંકટથી બીતા ન હતા.અણધારી આવેલી આ આફતથી જરા પણ ગભરાયા નહિ. પરીષહનો સમતાથી સામનો કરવા આત્માને સમજાવી દીધો અને ચામડી કાઢી આપવા તેઓ રાજીખુશીથી તૈયાર થઇ ગયા.

अरिहंते शरणं पवज्जामी ,
सिद्धे शरणं पवज्जामी ।
साहू शरणं पवज्जामी,
केवालिपन्नत्तं धम्मं शरणं पवज्जामी ।।

     આ રીતે અરીહંત, સિદ્ધ, સાધુ, અને ધર્મ એ ચારેયનું શરણ અંગીકાર કરી, જીવ માત્રને ખમવી,તેમણે સમાધિ લગાવી.

     રાજાની આજ્ઞાને આધીન થઈને રાજસેવકોએ મુનિની ચામડી ઉતારી. ને જાગ્રત મુનીએ પણ આત્માનું સર્વસ્વ સાધી ઊંચી ભાવનાથી કેવળજ્ઞાન મેળવ્યું ને તરત જ મુક્તિએ પણ ગયા. ફાટેલાં અને ઝરેલાં કપડાંને આપણે જેમ ત્યજી દઈએ છીએ તેમ આ મુનિવરે નાશવંત શરીરને છોડી આત્માની સ્વ-સ્વભાવની સિદ્ધિ પ્રાપ્ત કરી છેલ્લું મરણ સુધારી લીધું.

     મુનિવરતો કાળધર્મ પામી મોક્ષે ગયા. પણ લોહીથી બગડેલી મુહપત્તિ તો ત્યાંજ પડી રહી. એને માંસ જાણી સમડીએ ઉપાડી, પણ ખાવાની વસ્તુ  નથી, એ નકામી વસ્તુ છે, તેમ સમજીને તેને નાખી દીધી. જોગાનુજોગ તે મુહપત્તિ બરાબર રાજદ્વારે જ પડી. ભાઈની યાદ હજી ભુલાતી ન હતી, ત્યાં લોહીથી ખરડાયેલી મુહપત્તિ જોઇને બહેનને ખુબ આઘાત લાગ્યો. રાજસેવકો પાસેથી  બધી વાત જાણી લીધી. ભાઈ-બહેનના સંબંધોની વાત જયારે રાજાને ખબર પડી ત્યારે તેને ખુબ પશ્ચાતાપ થયો. તરત રાણી પાસે જઈને રાજાએ કહ્યું "ના વિચારવાનું  મેં વિચાર્યું, ના કરવાનું કામ મેં કર્યું, હવે મારો ઉદ્ધાર કેમ થશે?" આ બનાવથી રાણીનું મન વધુ વૈરાગ્યના માર્ગે વળ્યું. તેથી વૈરાગ્યના સુંદર શબ્દોથી રાજાને સંસારની અસારતા સમજાવી.

     સાપ જેમ કાંચળી ઉતારે, તેમ રાજા-રાણીએ શુભ દિવસે સંસાર ઉપરથી મોહ ઉતારી નાખ્યો, અને રાજપાટ છોડી બેઉએ દીક્ષા લીધી, અને ઉગ્ર તપશ્ચર્યા કરી ભયંકર પાપકર્મોને ખપાવ્યા.આત્મશુદ્ધિનો ટૂંકો અને સરળ આ એક જ માર્ગ હતો. છેવટે તેઓ પણ શાશ્વત સુખના ભોક્તા બન્યા.

     તપ - સંયમ અને સમતાના આદર્શસમા એ ખંધક ઋષિને કોટિ કોટિ વંદન!!!!!
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger