આષાઢી શ્રાવક

Friday 14 December 20120 comments


     પ્રાચીન કાળની આ વાત છે. આષાઢી નામે એક શ્રાવક હતા. તે ખુબ શ્રદ્ધાળુ, માયાળુ અને દયાળુ હતા. કુદરતના ચારેય હાથ તેમની ઉપર હતા.

     ગયી ચોવીસીના તીર્થંકર શ્રી દામોદર ભગવાન સમવસરણમાં મધુર સ્વરે દેશના આપી રહ્યા હતા. બારેય પર્ષદા એકતાનથી સંભાળવામાં લીન હતી. ત્યારે આષાઢી શ્રાવકે વિનયપૂર્વક ભગવાનને પૂછ્યું, "હે પ્રભુ! મારી મુક્તિ ક્યારે થશે?" ત્રિકાળજ્ઞાની ભગવાને જવાબ આપ્યો, "આવતી ચોવીશીમાં જયારે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ તીર્થપતિ થશે, ત્યારે એમના ગણધર થઈ તમે મુક્તિએ જશો."

     'અહો! ધન્ય ઘડી! ધન્ય દહાડો! પોતાનું એ ઉત્તમ ભવિષ્ય સાંભળીને શ્રાવકનું મન નાચી ઉઠ્યું. ઉદ્ધાર થશે, મુક્તિએ જઈશ.' એ જાણી ભાવનામાં વૃદ્ધિ થઇ. ભવિષ્યના ઉપકારીએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની અત્યારથી જ આરાધના શરૂ કરવાની એમને ભાવના થઇ. આ આત્મા નિમિત્તવાસી છે, જો નિમિત્ત સારું નહિ મળે તો તે રંગરાગમાં ફસાઈ જશે એમ વિચારી એણે તરત જ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મનોહર, પ્રભાવશાળી અને આકર્ષક બિંબ ભરાવ્યું.

     કેવી અડગ શ્રદ્ધા ! જેમને જોયા નથી, એમની આરાધના કરવાની નિર્મળ તમન્ના ! આનું જ નામ પ્રભુભક્તિ, સમકિતનો સાચો રંગ અને જ્ઞાની પુરૂષોના વચન ઉપરની અડગ શ્રદ્ધા !

     થોડા વર્ષો પછી આષાઢી શ્રાવકની ગેરહાજરીમાં એ પ્રતિમાજી સૌધાર્મેન્દ્ર પાસે, સૂર્ય અને ચંદ્રના ઇન્દ્રો પાસે,પહેલા,બીજા,દસમાં અને બારમાં દેવલોકમાં તથા નાગકુમારના દેવેન્દ્ર પાસે, આમ ઘણા કાળ સુધી ઠેકઠેકાણે પૂજાઈ. નમિ, વિનમિ અને રામચંદ્રજીએ પણ આ મૂર્તિની પૂજાનો લાભ લીધો હતો. ક્રમશઃ એ પ્રભાવક પ્રતિમા શ્રી ગિરનાર તીર્થની સાતમી ટૂંકે આવી. એકવાર શ્રી નેમિનાથ પ્રભુના કહેવાથી શ્રી કૃષ્ણ મહારાજાએ અઠ્ઠમનું તપ કરી ધરણેન્દ્ર-પદ્માવતી પાસેથી એ મૂર્તિને ફરીથી મેળવી.આ પ્રભુપ્રતિમાના ન્હવણ જળનો સૈન્ય ઉપર છંટકાવ કરવાથી જરાસંઘની 'જરા' વિદ્યાનો ઉપદ્રવ ટળી ગયો હતો અને સૈન્ય સજીવન થઇ ગયું હતું.

     વિક્રમ સંવત 1115માં સજ્જન શેઠે શ્રી શંખેશ્વર(ગામ) તીર્થમાં વિશાળ જિનમંદિર બંધાવ્યું. ત્યાં એ પ્રતિમાજીને મોટા સમારોહ સાથે સ્થાપન કર્યા. દુર્જશલ્ય રાજાનો કોઢનો રોગ પણ પ્રભુના ન્હવણ જળના પ્રભાવે દૂર થયો. એ શ્રદ્ધાળુ રાજાએ પણ ત્યાનો જીર્ણોધ્ધાર કરાવ્યો. વર્તમાન સમયમાં એ શંખેશ્વર તીર્થ ખુબ જ પ્રસિદ્ધિ પામ્યું છે. ત્યાં જનાર ખરેખર પાવન થઇ જાય છે અને સૌની ઇચ્છિત મનોકામના પણ પૂર્ણ થાય છે. આખા ભારતવર્ષમાં ગઈ ચોવીસીની આટલી પ્રાચીન પ્રતિમા ક્યાંય જોવા મળતી નથી. એ પ્રભુના દર્શન કરતાં અને નામ સ્મરણ કરતાં અનેક વિધ્નો દૂર થાય છે. કારણ અહીંના અધિષ્ઠાયક દેવ સદા જાગૃત છે. ભક્તવર્ગને સહાય કરતાં જ હોય છે.આ એક અનુભવસિદ્ધ હકીકત છે.

     શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાનાકના શુભ અવસરે પોષ દશમી(માગસર વદ -10) ના દિને ખાસ મેળો ભરાય છે. તે દિવસે હજારો યાત્રીઓ અઠ્ઠમ અથવા ત્રણ એકાસણાની તપશ્ચર્યા કરી જન્મ કલ્યાણકની આરાધના કરે છે. તેવી જ રીતે જે જે તીર્થમાં ભગવાન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન હોય, ત્યાં પણ આ રીતની આરાધના આરાધકો કરે છે.

     ગમે તે હો, પણ આ પ્રાચીન મનોહર મૂર્તિના દર્શન આત્માને શાંતિ આપે છે. ભાવનાને વધારે છે. ભવોભાવના પાપને પખાળે છે. તેથી આ પાવનભૂમિ આરાધકોને લોહચુંબકની જેમ આકર્ષે તેમાં નવાઈ શી?

     આષાઢી શ્રાવકનું એ કેવું સુંદર અને દીર્ધદર્શી કાર્ય! પોતે તો ગણધર થઈને મોક્ષે ગયા, તેમ બીજા આરાધકો માટે પણ એક ઉચ્ચ આદર્શ મૂકતા ગયા.

     લાખો ધન્યવાદ હો એ શાસન પ્રભાવક મહાશ્રાવકને !
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger