બાહુબલી

Tuesday 4 December 20120 comments


સંખ્યાતીત વર્ષ પહેલાની વાત છે શ્રી ઋષભદેવ ભરત વિગેરે પુત્રોને રાજપાટ સોંપીને દીક્ષા લીધી. ભારત મહારાજ પણ 60 હજાર વર્ષે 6 ખંડ જીતીને વિનીતા નગરીમાં પાછા ફર્યા. હવે માત્ર નાના ભાઈ બાહુબલીને પોતાની આજ્ઞામાં લેવાનું કામ બાકી હતું.એક દિવસ ભારત મહારાજાએ સુવેગદૂત દ્વારા બાહુબલીજીને તક્ષશિલા સંદેશ મોકલ્યો, "મહારાજા ભારતની આજ્ઞા માનો". બાહુબલીજીએ પ્રતિઉત્તર આપ્યો " હું કોઈની આજ્ઞા માનવા તૈયાર નથી.".

એકતરફ ભરત મહારાજા તો ચક્રવર્તી થવાના હોવાથી શક્તિશાળી હતા.તેમજ બાહુબલી પણ ખુબજ બળવાન હતા. તેઓએ પૂર્વ ભવમાં 500 મુનિઓની સેવા ભક્તિ કરી હતી.એમ બેઉ ભાઈઓ ખુબ શક્તિશાળી હતા. ભરત મહારાજાએ પોતાના નાના ભાઈ બાહુબલીને સમજાવવા બાર વર્ષ સુધી પ્રયત્ન કર્યા, ભારતનો રાજ્યાભિષેક પણ લંબાયો. પરંતુ જયારે કઈ પણ સારું પરિણામ ના આવ્યું ત્યારે ભરત મહારાજાએ લડાઈની તૈયારીઓ કરાવી.

યુદ્ધની છેલ્લી ક્ષણે દેવોના ઇન્દ્ર વચ્ચે પડ્યા અને બેઉને વિનંતી કરી કે "વીતરાગ પરમાત્માના પુત્રોને આ શોભતું નથી. સૈન્યનું યુદ્ધ બંધ કરો અને તમે બે જ બળની પરીક્ષા કરો." એ મુજબ દ્રષ્ટિયુદ્ધ, વાગ યુદ્ધ, દંડ યુદ્ધ, તેમજ બહુયુદ્ધમાં ભરતજી હારી ગયા. મુષ્ટિ યુદ્ધમાં અંતિમ વિજય પ્રાપ્ત કરવા જ્યાં બાહુબલીજીએ હાથ ઉગામ્યો ત્યાં ઉચ્ચ કુળને કારણે વિચાર પલટાયો ને હાથ થંભી ગયો.

બહુબલીજીએ વિચાર્યું 'અહો! આ તો મારા વડીલબંધુ! મારા માટે તો એ પિતાતુલ્ય છે. નશ્વર સંસાર અને રાજ્ય માટે હું આ શું કરું છું? મારે રાજપાટ જ ના જોઈએ. પરંતુ આ ઉગામએલી મુઠ્ઠીનું શું?' તે જ વખતે એ મુઠ્ઠીથી માથાના સુશોભિત વાળનો લોચ કર્યો અને સંસારનો ત્યાગ કર્યો. ચરિત્ર ગ્રહણ કરેલ જોઈ ભરત મહારાજા પગે પડ્યા, ક્ષમા માંગી અને ગ્રહણ કરેલા સંયમ ધર્મની ભૂરી ભૂરી અનુમોદના કરવા લાગ્યાં.

બહુબલીજીએ દીક્ષા તો લીધી પણ મનમાં થોડું અભિમાન રહી ગયું હતું. તેથી તેમને વિચાર્યું કે "જો હું ભગવંત પાસે જઈશ તો મારે મારા 98 નાના ભાઈઓને, જેમણે મારા પહેલા દીક્ષા લીધી છે તેમને વંદન કરવા પડશે. માટે "કેવળજ્ઞાન" પ્રાપ્ત કાર્ય પછી જ જઈશ". એમ વિચારી ત્યાં જ તેઓ કાઉસગ્ગમાં રહ્યા.

પગમાં કાંટો ખુંચે તેમ શુભ ધ્યાનમાં અભિમાન ખટકતું રહ્યું. એમની બે બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તેઓને ભાઈના આવા અહંકાર બદલ દુઃખ થયું. ભગવંતની આજ્ઞા મેળવી એ બંને સાધ્વીઓ ભાઈને પ્રતીબોધવા ગઈ.ત્યાં જઈને તેઓએ કહ્યું -

"વીર મોરા ગજ થકી ઉતરો, 
ગજ ચડે કેવળ ન હોય રે."

અર્થ - મોટાભાઈ અભિમાન રૂપી હાથી પરથી નીચે ઉતરો. તેના પર બેસીને કોઈ દિવસ કેવળ જ્ઞાન નહિ મળે.

ગૂઢ અર્થ વાળા આ શબ્દોએ બહુબલીજીના મન ઉપર સારી અસર કરી. પહેલા એમને વિચાર આવ્યો કે "હું હાથી પર તો નથી બેઠો" પણ પછી તરત સમજાયું કે "હું અભિમાન રૂપી હાથી પર બેઠો છું, અહંકાર છોડ્યા વિના મને કેવળ જ્ઞાન કેવીરીતે મળશે ?" અહંકાર છોડી ભગવંતને વંદન કરવા હજુ જ્યાં પગ ઉપાડ્યો છે, ત્યાં જ તેમને કેવળ જ્ઞાન થયું.

તે પછી ઘણા વર્ષો સુધી ભારતભૂમિ પર વિચરી એ કેવળ જ્ઞાની મુનીએ અમાપ ઉપકારો કર્યા, ઘણાને સન્માર્ગે વાળ્યા. અંતે અષ્ટાપદ તીર્થ પર અણસણ કરી મુક્તીએ ગયા.

ભરત ચક્રવર્તીને પણ એક દિવસ અરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવતાં ભાવતાંકેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને કેવળી અવસ્થામાં એક પૂર્વ સુધી વિચરી, અષ્ટાપદ ગીરી ઉપર મુક્તિપદ પ્રાપ્ત કર્યું.

આ રીતે ઋષભ દેવ ના એક સો પુત્રોએ ચરિત્ર લીધું અને મોક્ષે ગયા.

તે જ ભવમાં મોક્ષે જનાર ભવ્ય આત્માઓ કેવા સરળ, નિખાલસ, અને અલ્પ કષાયી હોય છે!

ધન્ય છે એ અમર આત્માઓ ને! 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger