વરદત્ત અને ગુણમંજરી

Tuesday 4 December 20120 comments

ગામમાં ગુરૂ મહારાજ પધારે એટલે આનંદની વાત, સૌ કોઈ ત્યાં જાય અને ધર્મની વાતો સાંભળી
આત્મા કલ્યાણ કરે.

એક દિવસ પદ્મપુર નગરમાં શ્રી વિજયસેનસૂરિજી મહારાજ પધાર્યા હતા. રાજા અને પ્રજા સૌ દર્શન કરવા ગયા. ત્યાગી ગુરૂ મહારાજે સૌના હિત માટે ઉપદેશ આપતા કહ્યું ....

"પૂર્વ ભવમાં જેવા કર્મ બાંધ્યા હોય તે જ પ્રમાણે આપણને આ ભાવમાં સુખદુઃખ મળે છે. ભવિષ્યમાં જો સુખી થવું હોય તો ધર્મની આરાધના કરો.ધર્મારાધના કરવી જો શક્ય ના હોય તો ધર્મ વિરધનાથી અવશ્ય દૂર રહો. પાપોના પરિણામ જીવોને દુઃખમય ભોગવવા પડે છે."

અજીતસેન રાજા યશોમતી રાણી અને રાજપુત્ર વરદત્ત કર્મના આ પરિણામોના ઉપદેશ સાંભળી રહ્યા હતા. પ્રસંગોપાત રાજાએ પૂછ્યું, "હે ઉપકારી ગુરૂ મહારાજ! આ મારો પુત્ર કોઢ રોગથી પીડિત અને બુદ્ધિથી મંદ કેમ છે ? એણે પૂર્વ ભવમાં એવા તે કેવા કર્મ બાંધ્યાં હશે કે જેથી મારા ઘરે જન્મી આવા દુઃખ ભોગવે છે ?"

ગુરૂ મહારાજે કહ્યું - 'રાજન, કર્મ કોઈને ક્યારેય છોડતા નથી. તારા આ કુમારે પૂર્વ ભવમાં જ્ઞાનાવર્ણીય કર્મ બહુ બાંધ્યાં છે. પૂર્વ ભવમાં તે વસુદેવ નામે આચાર્ય હતા. રોજ પોતાના 500 શિષ્યોને શ્રીપુર નગરમાં વાચના આપતા હતા. એક દિવસ સૂતેલા ગુરૂને જગાડીને શિષ્યોએ પ્રશ્ન પૂછ્યા. નિંદ્રામાં ખલેલ પડવાથી એ ચિડાઈ ગયા. પોતાનો નાનો ભાઈ અભણ હોવાથી કેવો સુખી છે ? એવા ખોટા વિચાર કરી બીજા દિવસથી શિષ્યોને ભણાવવાનું બંધ કર્યું. શ્રુત જ્ઞાન આપવાનું બંધ કરવું એ તેમનું અયોગ્ય કૃત્ય હતું.આ રીતે તેઓએ ભણાતાને શ્રુત જ્ઞાનનો અંતરાય કરીને જ્ઞાનાવર્ણીય કર્મ બાંધ્યું. તે કર્મનું પરિણામ તે આજે ભોગવી રહ્યા છે.'

જ્ઞાની ગુરૂ ભગવંતના  અમૃત વચનો સાંભળી વરદત્ત કુંવરને તુરંત જ જાતિસ્મરણ જ્ઞાન થયું. અરિસાની જેમ એ પોતાના ભાવને જ્ઞાનથી જોવા લાગ્યો.



તે પછી પદ્મપુરના નગરશેઠ સિંહદાસે પણ ગુરૂમહારાજને  પ્રશ્ન પૂછ્યોકે, "હે તારક પૂજ્ય! મારી આ કન્યા ગુણમંજરીએ પૂર્વ જન્મે એવું કયું ઘોર પાપ બાંધ્યું હશે કે જેથી એ જન્મથી જ રોગી અને મૂંગી છે ? અને માતા કપૂરતિલકા તેના દુઃખી જીવન માટે ઘણી જ ચિંતા કરે છે."

"ભાગ્યવાન, તમારી પુત્રી ગુણમંજરી પૂર્વ ભવે ખેટક ગામમાં તેના પતિ જિનદેવ સાથે રહેતી હતી. પાંચ પુત્રો અને ચાર પુત્રિઓની તે માતા હતી. એનું એ વખતે નામ "સુંદરી" હતું. પુત્રો મોટા થતા તેઓને પિતાએ નિશાળે ભણવા મુક્યા. પણ તેઓ ત્યાં નિશાળમાં ભણવામાં કાંઈ લક્ષ્ય આપતાં નહીં, રોજ રમત ગમત કર્યાં કરતા.

એક દિવસ છોકરાઓએ શિક્ષા થવાથી ફરિયાદ લઈ રડતા ઘેર આવ્યાં. આથી માતાએ પુત્રોનો પક્ષ લઈ શિક્ષક સાથે ક્રોધે ભરાઈ. બાળકોના ભણવાના પુસ્તક પણ બાળી નાખ્યા.અને પુત્રોને ભણવાનું બંધ કરી સૌને અજ્ઞાન રાખ્યા. પત્નીના આવા વર્તનથી પતિ - પત્નીમાં ખુબ ઝગડો થયો. પતિએ ક્રોધમાં આવીને પત્ની ઉપર પ્રહાર કર્યો, એથી એ મરણ પામી. પૂર્વ ભવમાં પુત્રોને ભણવા ના દીધા, તે કારણે આ જન્મે તારે ઘરે મૂંગી અને રોગી એવી ગુણમંજરી થઈ."

નગરશેઠે વિનમ્ર ભાવે ફરી પૂછ્યું "હે પ્રભો આ બેઉ દુઃખી આત્માનો ઉદ્ધાર કેવીરીતે થશે ? કૃપા કરી માર્ગ બતાવો. બંને સુખી છતાં દુઃખી છે."

જ્ઞાની ગુરુભાગવાંતે જવાબ આપ્યો, "એમને માટે "જ્ઞાન પંચમી"ની આરાધના કરવી ઉત્તમ છે. સુદી પંચમના દિવસે વિધિ અનુસાર શ્રુત જ્ઞાનનું તેઓ પાસે તાપરાધાન કરવો. કાગળ,છાપા કે પુસ્તકને પગ લાગવાથી, બાળવાથી, અશુચીમાં વાંચવાથી કે તેની ઉપર બેસવાથી જ્ઞાનની વિરાધના થાય છે.તેથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. ફળ સ્વરૂપે આત્મા બીજા ભવે મૂંગા, બોબડા, ગાંડા, મૂર્ખા કે રોગી બને છે. વળી દયાપાત્ર એવી પશુગતીમાં પણ જન્મે છે. માટે આવી જ્ઞાનની આશાતનાઓ ન થાય, તેની સૌએ કાળજી રાખવી જોઈએ."

ગુરૂ મહારાજના આદેશ અનુસાર વરદત્ત અને ગુણમંજરીએ પવિત્ર મનથી જ્ઞાન પંચમીની આરાધના કરી , ને તેઓ ક્રમશઃ નીરોગી પણ બન્યા. થોડા વર્ષો પછી ચરિત્ર લઇ સારી રીતે તેનું પાલન કરી "વૈજયંત" નામના વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા. દેવ ગતિના સુખ ભોગવી બંને ભાગ્યાશાળીઓએ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લીધો અને ત્યાં આત્મસાધના કરી કેવળજ્ઞાન મેળવ્યું ને મુક્તિએ પણ ગયા. સાચા મનથી કરેલી જ્ઞાનની આરાધના તેઓને તત્કાળ ફળી.

ચાલો, આપને પણ એવી જ શ્રુત જ્ઞાનની ઉપાસના કરીએ ! અને જ્ઞાન પ્રકાશ દ્વારા અજ્ઞાનતાના અંધકારને ઉલેચીએ !
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger