ઈલાચી કુમાર

Saturday 8 December 20120 comments


અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજીના મુક્તીગમન પછીની આ વાત છે. ઈલાવર્ધન નામે નગર હતું. તેમાં ધનદત્ત નામે એક નગરશેઠ હતા.  શેઠના ઘરે ઈલાદેવીના વરદાનથી એક દિવસ પુત્ર જન્મ્યો. તેનું નામ ઈલાચીકુમાર.

એક દિવસ ઈલાચીકુમાર લેખા નામની નર્તીકાનો રસ્તામાં ખેલ જોઇને આવ્યો. પૂર્વ ભવના અનુરાગથી તે એના પર મોહી ગયો. ઘરે આવીને એણે માતાને પોતાની વાત કહી. માતાએ તેને સમજાવતા કહ્યું "ઈલાચી ! આપણે કોણ? એનો તો વિચાર કર, એ કેવી છે? એ સમજી લે. આપણને આ કૃત્ય ના શોભે." તો પણ ઈલાચીકુમાર નું મન માનતું ન હતું. છેવટે તે ઘરબાર છોડી નટના ટોળામાં ભળી ગયો. 

શરીર અને મનને જેમ વાળીએ તેમ વળે. નગરશેઠનો એ પુત્ર હવે શરમ છોડી નાટયકળાની તાલીમ લેવા લાગ્યો. ખંતથી તાલીમ લઈ એક દિવસ ટોળીનો સરદાર પણ બન્યો.  હવે ઈલાચીકુમાર અને લેખા સુંદર કામ કરીને પૈસા કમાવવા લાગ્યાં. સૌ એમનું કામ જોઈ રાજી રાજી થઇ જતાં.

એક દિવસ બેનાતટ નગરના રાજદરબારના આંગણામાં આ ટોળી ખેલ કરવા આવી. એ જોવામાંટે રાજા, શેઠ, સામંતો, સૌ ભેગા થયા. ઈલાચીકુમારે લેખાને પ્રાપ્ત કરવામાટે જે પ્રતિજ્ઞા લીધી હતી તે આજે પૂરી થવાની હતી. મોટી આશાએ અને બમણા ઉમંગે તે એક પછી એક ખેલ બતાવવા લાગ્યો. આખી પ્રજા તેના અદભુત ખેલો જોઇને દંગ થઇ ગઈ. તેની સમક્ષ ખુબ જ ધન ભેટ રૂપે એકત્રિત થયું. પણ કેમે કરી રાજા ખુશ ના થયો. પોતાનું કળા-કૌશલ્ય બતાવી રાજાને ખુશ કરવા તે ફરીથી દોર ઉપર ચઢ્યો, જાણે રસ્તાપર ચાલતો હોય તેમ દોર પર ચાલી બતાવે છે, અને ઉંધે માથે નાચે છે. અરે! દોરથી ઉંચે કુદી જીવના જોખમે સૌનું મનોરંજન પણ કરે છે. પરંતુ બેનાતટપતિ આટઆટલું કરવા છતાં  ખુશ થતો નથી કે નથી બક્ષિસ આપતો. ખોટા બહાના કાઢે છે, મનમાં કપટ કરી લેખાને મેળવવાની ઈચ્છાથી ઈલાચીકુમાંરનું મરણ ઈચ્છે છે. રાજાને પ્રસન્ન કરવા ઈલાચીકુમારે એક નહિ, બે નહિ પણ ત્રણ ત્રણ વાર દોર ઉપર ચઢીને નવી નવી કળાઓ બતાવી પણ બધું જ પત્થર પર પાણી ! 

ચોથી વખત જયારે દોર પર ઈલાચીકુમાર નાચે છે ત્યારે તેમની નજર દુર એક મહેલ ઉપર પડી. ત્યાં તેણે એક બાજુ રાગ અને બીજી બાજુ વિરાગ જોયો. સ્વર્ગની પરીજેવી એક સુંદર સ્ત્રી મુનિને મોદક લેવા આગ્રહ કરતી હતી, જ્યારે મુનિ ના પાડી રહ્યા હતા. તે તો ઉંચે નજર પણ કરતા ન હતા. આ દ્રશ્ય જોઈ ઈલાચીકુમાંરના મનમાં એકાએક વૈરાગ્યની જ્યોત પ્રગટી. નૃત્યકળા બતાવતા આત્મકળા તરફ ધ્યાન વળ્યું. બાજી પલટાઈ ગયી. ઈલાચીકુમારે મનમાં વિચાર્યું "હું કેવો છું ? હું તો રૂપ રંગની પાછળ અંધ બન્યો છું, જયારે આ ત્યાગી મુનીવર્ય કેવા નિર્મોહી છે ! ધિક્કાર છે મારા આ જીવનને !" આ રીતે મનમાં થયેલા સાચા પ્રશ્ચાતાપથી મોહનીય કારમાંના પડળ એકાએક ખસી ગયાં. આત્માનું સાચું જ્ઞાન થયું, જ્ઞાનદીપ પ્રજ્વલિત થયો. અંધકારમાં અજવાળું થયું. નુત્યકળા બતાવતા બતાવતા એમને ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. હવે ઈલાચીકુમાર નટ મટી 'કેવળી' થયા. 

આ પ્રસંગે કેવળજ્ઞાની થયેલા ઈલાચીમુનિએ સૌને ઉપદેશ આપતા કહ્યું કે " આ સંસાર એક નાટક છે. આજે ફૂલ ખીલે છે ને કાલે કરમાઈ જાય છે. તેવું ક્ષણિક આ યૌવન છે. નશ્વર વસ્તુઓથી કંઈ સુખ મળતું નથી ને મળવાનું નથી'. આ વૈરાગ્યમય ઉપદેશ લેખા નટીને અને રાજા રાણીને ખુબ ગમ્યો. તેઓના વિવેક નયનો ઉઘડી ગયા. પરિણામે એ દિવ્ય સંદેશે 'માયાની જાળ'ને 'મુક્તિની માળ' કરી બતાવી.આમ અંતરના સાચા પશ્ચાતાપથી  ચારેય લઘુ કર્મી આત્માઓએ ક્ષણવારમાં મોહનીય કર્મનો નાશ કર્યો અને કેવળજ્ઞાની થયા અનેતદભવ મોક્ષ ગામી થયા. 

ધન્ય છે મોહરાજાને જીતનાર અને છેલ્લે કર્મનો નાચ ભજવી બતાવનાર કેવળી ઈલાચીકુમાંરને !
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger