કદંબગિરિ તીર્થ

Thursday 17 January 20130 comments


કદંબ ગિરિ તીર્થ એટલે તીર્થાધિરાજ શત્રુંજયની ટૂંક. અહી ગઈ ચોવીસીના સંપ્રતિ નામના જિનેશ્વર ભગવાનના કદંબ નામના ગણધર એક કરોડ મુનિવરો સાથે મોક્ષે પધાર્યા હતા. વર્ષો પહેલાથી શ્રી કદંબ ગણધર ભગવાનના ચરણ પાદુકાની દેરી કદંબગિરિ પહાડની ટેકરીની ટોચે હતી.

વી.સં. 1980ની આસપાસના સમયમાં પાલીતાણાના ઠાકોરે જયારે શત્રુંજય તીર્થમાં મુંડકાવેરો નાખ્યો અને સકલ શ્રી સંઘે એકી અવાજે "જ્યાં સુધી મુંડકાવેરો માંડી ના વાળે ત્યાં સુધી યાત્રા નહિ."આવો નિર્ણય કર્યો  વિકલ્પ રૂપે પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રીવિજય નેમીસૂરીશ્વરજીએ દીર્ધ દ્રષ્ટિથી આ કદંબગિરિ તીર્થમાં વિશાળ જિનાલાયોના નિર્માણ માટે ઉપદેશ આપ્યો અને તે બધા કાર્યો માટે શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીની સ્થાપના કરવામાં આવી. કદંબગિરિના કામળીયા દરબારોને પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યો. વ્યસનથી મુકત કરાવ્યા. એ જ દરબારોએ પૂજ્યશ્રી ઈચ્છે તેટલી જગ્યા ભેટ આપવા તૈયારી બતાવી, પણ દીર્ધદ્રષ્ટા પૂજ્યશ્રીએ તે જગ્યા આ.ક.પેઢી પાસે ટોકન કિંમતે ખરીદાવી અને ત્યાં વિશાળ ચૈત્યના મંડાણ કરાવ્યા.

શેઠ તારાચંદની જાવાલવાળાની ટૂંક કહેવાય છે તે મુખ્ય ટૂંકમાં શ્રી આદિશ્વર ભગવાન મૂળનાયક તરીકે બિરાજમાન છે. તે પ્રભુજીનું પરિકર વિશાળ, ઝીણી કોતરણી યુક્ત છે. બાવન જીનાલય યુક્ત આ મહાચૈત્યમાં મૂળનાયક પ્રભુજીની સામે જે સમવસરણ છે તે ધ્યાનથી દર્શન કરવા લાયક છે. બધા પ્રભુજીના પ્રક્ષાલ માટે બે ટાંકા અહી છે. આની પ્રતિષ્ઠા વી.સં. 1989માં થઇ હતી. એની સામે કદંબ ભગવાનની રમણીય મૂર્તિ છે. તેની દેરીમાં વપરાયેલ આરસ અલભ્ય છે. તેની પાસે જ રાયણ વૃક્ષ છે. તેના દર્શન કરી ઉપર જઈએ એટેલે પાર્શ્વનાથ પ્રભુજીનું દેરું આવે છે. અહી પ્રભુના દર્શન કરતા પરમ ટાઢકનો અનુભવ થાય છે. તેની બરોબર ઉપર અષ્ટાપદ તીર્થ ચત્તારી-અઠ્ઠ-દસ-દોય એમ  ચોવીસ પ્રભુજી પધરાવ્યા છે. તો રાવણ-મંદોદરી પણ છે. ચૌદસો બાવન ગણધરના પગલા પણ ત્યાં જ છે.

ત્યાં દર્શન કરીને પગથિયા ઉતરીએ એટેલે સામેથી નવા આદિશ્વર ભગવાન(115") બિરાજમાન છે. પાંચ મેરુ પણ સંગેમરમરમાંથી બનાવવામાં આવ્યા છે. ઝીણી પોકળ પાષાણની છત્રી પણ જોવાલાયક છે. ત્યાંથી સહેજ ઉપર જઈએ એટલે શ્રી નમિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવે છે. આ પ્રતિમા સંપ્રતિ રાજા વખતની પ્રાચીન છે. ઉપરના માળે ચૌમુખજી આવેલ છે.

શ્રી નમિનાથ પરમાત્માનો પણ અહી નાનો ઈતિહાસ છે. મૂળ આ પ્રભુજી વિસનગર પાસેના વાલમ ગામમાં બિરાજમાન હતા. ત્યાંથી અમદાવાદ લલ્લુ રાયજીની બોર્ડિંગના દેરાસરમાં મૂળનાયક તરીકે બિરાજમાન કરવા લવાયેલા પણ પ્રવેશને દિવસે પ્રભુજી માટે ગભારો નાનો લાગતા બીજા પ્રભુજી ત્યાં પધરાવેલા. ત્યારે પૂજ્યશ્રીએ કહેલું કે આ પ્રભુજી અમને આપો તો તીર્થમાં સ્વતંત્ર દેરાસર બનાવીને તેમાં પધારાવીશું. બધાની અનુમતિ લઈને પ્રભુજીને કદંબગિરિ લાવવામાં આવ્યા. વી.સં. 1989ની પહેલી અંજનશલાકાના મહોત્સવમાં એકાએક વાવાઝોડું ફૂકાયું. થાંભલા પાડવા લાગ્યા. મંડપ ઉડ્યો. પૂજ્યશ્રી ધ્યાનમાં બેઠા, અંત:સ્ફૂરણા થઇ "આપણે શ્રી નેમિનાથ ભગવાનને સ્વતંત્ર દેરાસમાં પધારાવીશું એમ કહીને લાવ્યા હતા અને મુખ્ય ટૂંકમાં દેરીમાં પધરાવવાનું વિચાર્યું છે, આ ભૂલ છે. હવે ચોક્કસ સ્વતંત્ર દેરાસરમાં મૂળનાયક તરીકે પધારાવીશું." આ સંકલ્પ કર્યો ત્યાં જ બધું વાતાવરણ શાંત થઇ ગયું. રંગે ચંગે પ્રભુ અંજન-પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. આવા જાગ્રત પ્રભાવી પરમાત્માને શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલના સ્વદ્રવ્યથી નિર્મિત જિનાલયમાં પધરાવવામાં આવ્યા.

અહીના પહાડમાં અનેક દુર્લભ ઔષધિઓ છે, ગાઢ વનરાજી છે, વૃક્ષો અને વેલીઓ છે. ત્યાં ઉભા રહીને જોતા સાક્ષાત ગિરિરાજ અને શેત્રુજી નદીનું નયન મનોહારી દ્રશ્ય જોવા મળે છે. ત્યાંથી નીચે ઉતરીને આગળ જતા પહેલું દેરાસર આવે છે તે "લાકડાવાળું દેરાસર" કહેવાય છે. તેના પહેલા માળે શ્રી નેમિનાથ ભગવાનની વિરાટ અને શ્યામ વર્ણી પ્રતિમા છે. તેના ઉપરના માળે શ્રી સીમંધરસ્વામી અને વર્તમાન ચોવીસીના ચોવીસ ભગવાન છે. આ દેરાસર સમય જતા જીર્ણ થતા તેની પુન:પ્રતિષ્ઠા આચાર્યશ્રી વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ.,આચાર્યશ્રી વિજય દેવસૂરીશ્વરજી મ. તથા આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં સં. 2050માં કરવામાં આવી હતી. આ લાકડાવાળા દેરાસરની બદલીમાં નૂતન શિખરબંધી જીનાલય બંધાવી તેમાં બધા પ્રભુજીને પધરાવવામાં આવ્યા છે. તથા શેત્રુંજયની આબેહુબ રચના પણ કરવામાં આવી છે.

શાંતિનાથ ભગવાનના ભવ્ય વિશાળકાય પ્રતિમાજી નેસડામાં સુંદર છત્રી બનાવી પધરાવવામાં આવ્યા છે. તેને ફરતે ગુલાબનો બગીચો છે. હાલમાં 9 દેરી સહીત તળેટી બનાવી બીજું પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર બનાવેલ છે. સાથે મણીભદ્ર દાદાની દેરી છે. તેની સાથે ભાતાઘર છે. ત્યાંથી ગામમાં આવીએ ત્યાં શ્રી મહાવીરસ્વામીજીનું બોંતેર જિનાલય યુક્ત ચૈત્ય છે. ગભારાના બે બાજુના ગોખમાં જે પાર્શ્વનાથ ભગવાન છે તે જોતાવેંત ગમી જાય તેવા છે. ભમતીમાં શ્રી પુંડરિકસ્વામી, ગૌતમસ્વામી વગેરે ગણધર ભગવંતોના દર્શન થાય છે. બહારના પરિસરમાં આ તીર્થના ઉદ્ધારક પૂજ્યપાદ શાસન સમ્રાટ શ્રી વિજયનેમીસૂરિશ્વરજી મહારાજની લાઈફ સાઈઝની પ્રભાવશાળી ગુરુમૂર્તિ સહિત ગુરુમંદિર છે. આ પ્રતિમાના દર્શનથી અચૂક કાર્ય સિદ્ધ થાય છે. ત્યાં સામેજ પરોણા દાખલ પ્રતીમાજીનો ભંડાર છે. તેમાં સોળ વિદ્યા દેવી સાહિત શ્રી સરસ્વતી દેવીની ચમત્કારીક પ્રતિમાજી છે.

કદંબગિરિ તીર્થની પવિત્રતા અને શાંતિ માણવા જેવી છે. સાત્વિક અણુ-પરમાણુંથી હર્યું-ભર્યું વાતાવરણ એકવાર જે અનુભવે છે તેને ફરીથી અહી આવવાનું મન થાય છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger