જૈન ધર્મ નું જીવવિજ્ઞાન

Tuesday 4 June 20130 comments

        જીવ અનાદિ , અનંત અને શાશ્વત પદાર્થ છે. જીવ નો કોઈ સર્જનહાર નથી. જીવ સ્વયંસિદ્ધ છે. ત્રિકાળ જીવંત રહેતો હોવાથી તે જીવ કહેવાય છે. ચૈતન્ય - સ્વરૂપ અને ચૈતન્ય લક્ષણવાળા પદાર્થ ને જીવ કહે છે. આવા જીવો અનંતા અને અનેકવિધ છે. જીવ ને આત્મા કહે છે. ચેતન પણ તેનું જ એક નામ છે અને તેનું એક લક્ષણ છે.
આ આત્મા ચેતનામય અરૂપી સત્તા છે. તેને શબ્દ , રૂપ , રસ , ગંધ , અને સ્પર્શ નથી. એ નિરંજન અને નિરાકાર છે. જ્ઞાનમય અસંખ્ય પ્રદેશો નો એ પીંડ છે.
ચેતના ની  ક્રિયા એ આત્મા ( જીવ ) નું લક્ષણ છે. જ્ઞાન , દર્શન , સુખ , અને દુખ દ્વારા તે અભિવ્યક્ત થાય છે. આત્મા માં સંકોચ અને વિસ્તાર ની શક્તિ રહેલી છે. તે કીડી જેવા નાનકડા શરીર માં પણ રહી શકે છે અને હાથી જેવા મોટા શરીર માં પણ રહી શકે છે.

બાહ્ય લક્ષણ:-  જે પોતાની ઈન્દ્રિયો દ્વારા આહાર ગ્રહણ કરે છે અને તેનું વિસર્જન પણ કરે છે, તે જાગે છે અને ઊંઘે છે. તે શ્રમ પણ કરે છે અને વિશ્રામ પણ કરે છે. તે ભય પામે છે. આત્મરક્ષા માટે તે પ્રયત્ન કરે છે. મૈથુન સેવન કરે છે અને મૈથુનથી જન્મે છે. તે વધે છે અને ઘટે છે, તેસંગ્રહ કરે છે.

અંતરંગ લક્ષણ:- ચેતના એ આત્મા નું ભીતરી લક્ષણ છે. જીવમાત્ર માં ઓછાવત્તા  પ્રમાણ માં ચૈતન્ય શક્તિ રહેલી છે. કર્મો ના આવરણ પ્રમાણે તેની આ શક્તિ ઓછી કે વધુ જોવા મળે છે. આ આત્મા સમગ્ર શરીર માં વ્યાપ્ત છે. તે કર્મ પુદ્દ્ગલોને ગ્રહણ કરે છે અને તે કર્માનુસાર તે અવનવા જન્મ લે છે અને કર્મોનો ક્ષય કરીને તે મુક્ત પણ બને છે.

આથી જીવ ના મુખ્ય બે પ્રકાર કહ્યા છે.
૧ > મુક્ત જીવ
૨ > સંસારી જીવ

જીવ ના ભેદ - પ્રભેદ:- જેમને તમામ કર્મોનો સર્વથા અને સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેમને ફરીથી જન્મ લેવાનો નથી, એવા શરીર વિનાના નિરંજન , નિરાકાર આત્માને મુક્ત જીવ કહે છે. આવા મુક્તાત્માઓ અનંત છે. અને જેવો વિવિધ કર્મો થી બદ્ધ છે , જેઓ પુનઃ પુનઃ જન્મ મરણ કરી ને અવનવા દેહો માં જીવે છે તેઓ સૌ સંસારી જીવો કહેવાય છે.

સંસારી જીવો ના બે ભેદ છે.
૧ > ત્રસ
૨ > સ્થાવર

ત્રસ જીવો:- જેઓ પોતાની ઈચ્છા મુજબ હરેફરે છે, શરીર ને સંકોચે છે, વિસ્તારે છે, રડે છે, ભય પામે છે, ત્રાસ અનુભવે છે. વગેરે ત્રસ જીવોની ઓળખ ના લક્ષણો છે. ત્રસ જીવો ૮ પ્રકારે જન્મ લે છે.
૧ > ઈંડા માંથી જન્મે તે ( પક્ષી વગેરે )
૨ > કોથળી માંથી જન્મે તે ( હાથી વગેરે )
૩ > ગર્ભાશયમાંથી જન્મે તે ( ગાય , માણસ વગેરે )
૪ > રસથી જન્મે તે ( કીડા વગેરે )
૫ > પરસેવાથી જન્મે તે ( જૂ, માંકડ વગેરે )
૬ > પૃથ્વી ફાડીને નીકળે ( તીડ વગેરે )
૭ > સમૂર્ચ્છિમ્ મળમૂત્ર માંથી જન્મે તે ( કીડી, માખી વગેરે )
૮ > શય્યા માં કે કુંભીમાં જન્મે તે ( નારકી , દેવતા વગેરે )

ભેદ:- ઇન્દ્રિયો પ્રમાણે ત્રસ જીવો ચાર પ્રકાર ના છે.
૧ > બેઇન્દ્રિય : કાયા અને મુખ એમ બેઇન્દ્રિય વાળા જીવ. શંખ છીપ, અળસિયા , કરમિયા , પોર વગેરે.
૨ > તેઇન્દ્રિય : કાયા , મુખ , અને નાક એમ ત્રણ ઇન્દ્રિય વાળા જીવ. જૂ , લીખ , માંકડ , મકોડા , ધનેડા વગેરે
૩ > ચઉરીન્દ્રિય : કાયા , મુખ , નાક અને આંખ એમ ચાર ઇન્દ્રિયવાળા જીવ. ડાંસ , મચ્છર , વીંછી , કરોળિયા વગેરે
૪ > પંચેન્દ્રિય : કાયા , મુખ , નાક , આંખ અને કાન એમ પાંચ ઇન્દ્રિયવાળા જીવ. નારકી, તીર્યંચ , મનુષ્ય , અને દેવતા.

સ્થાવર જીવો:- જેમના શરીરમાં જીવ છે પરંતુ દુ:ખને દુર કરવાનો અને સુખ મેળવવાનો જે પ્રયત્ન નથી કરતા તે સ્થાવર જીવો છે.આવા જીવો ને માત્ર કાયા ની એકજ  ઇન્દ્રિય હોય છે. આવા જીવો પાંચ પ્રકાર ના છે.
૧) પૃથ્વીકાય :- માટીના જીવો જેમ કે લાલ માટી , સફેદ માટી , રેતી , પત્થર , મીઠું , રાતનો , સુરમો , અબરખ વગેરે .
૨ ) અપકાય :- પાણી ના જીવો. જેમ કે વરસાદ નું પાણી , ઠારનું પાણી ,ધુમ્મસ , ઝાકળ વગેરે તમામ પ્રકાર નું પાણી
૩) તેઉકાય :- અગ્નિ ના જીવો. જેમ કે તણખા , જ્યોત ,જ્વાળા ,વડવાનલ , ભઠ્ઠી વગેરે.
૪) વાઉકાય :- વાયુ ના જીવો જેમ કે વિવિધ પવન , વંટોળ , ચક્રપાત વગેરે .
૫) વનસ્પતિકાય :- વૃક્ષ-વેલી વનસ્પતિ ના જીવો જેમ કે ફળ, ફૂલ, વેલી, ઘાસ , દરેક પ્રકાર ની લીલોતરી, શાકભાજી વગેરે.

આ દરેક જીવો ના પણ ભેદ અને પ્રભેદ છે. એ બધા નો કુલ સરવાળો આ પ્રમાણે કરાયો છે.
દેવતાના ૧૯૮ પ્રકાર ના ભેદ
માણસના ૩૦૩ પ્રકાર ના ભેદ
તીર્યંચના ૪૮ પ્રકાર ના ભેદ
નારકીના ૧૪ પ્રકાર ના ભેદ
આમ કુલ ૫૬૩ પ્રકાર ના જીવો છે.

સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે જીવવિચાર , તત્વાર્થ સુત્ર , આદિ ગ્રંથો વાંચવા.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger