આચાર્યશ્રી સિધ્ધર્ષિ ગણી

Monday 1 July 20130 comments

જુગારીમાંથી જૈન સાધુ - આચાર્ય શ્રી સિધ્ધર્ષિગણિનો જીવન પ્રસંગ :- 

શ્રીમાલ શહેરના શુભંકર શ્રેષ્ઠિ અને તેમના પત્ની લક્ષ્મી સર્વ વાતે સુખી હતા. સિધ્ધ નામનો પુત્ર હતો, ધન્યા નામની તેની સુશીલ પત્ની હતી. ગૃહાંગણમાં વૈભવ રમતો હતો ને નગરમાં પ્રતિષ્ઠિા હતીઃ બીજું જોઈએ પણ શું ?
કિંતુ નસીબ ક્યારેક ક્રીડા કરતું હશે ?
યુવાન સિધ્ધના હાથમાં હંમેશાં પૈસા રહેતા હતા ને એ જુગારના રવાડે ચઢી ગયો હતો. માતા-પિતાનો પ્રેમ, કુળની કીર્તિ કે સુકોમળ પત્નીનું સુંદર દેહલાલિત્ય એને સાંભરતા નહોતા. એ તો રોજ સાંજ ઢળે તેની પ્રતીક્ષા કરતો ને રાત જામે ત્યારે જુગાર રમવા ચાલી જતો. એને ચસકો લાગી ગયો હતો !
એ રોજ રાત મધરાત પછી જ ઘરે આવતો.
માતા-પિતા ધર્મક્રિયા કરીને વહેલા  સૂઈ જતા. એમને કશી જાણ નહોતી.
ધન્યા પ્રતીક્ષા કરતી. સિધ્ધ આવે ત્યારે તેને જમાડતી. સિધ્ધને સાચવતી. એનું મન મૂંઝાયા કરતું. ધન્યાને સમજાતુ નહોતું કે શું કરવું ? સિધ્ધ સમજતો નહોતોઃ એને જુગાર જ ગમતો હતો. માતા-પિતાને કહેવાની હિંમત નહોતી.
ધન્યા દિનરાત ચિંતામાં પીસાયા કરતી હતી.
એ સુકાતી જતી હતી.
ચતુર લક્ષ્મીએ ધન્યમાં પરિવર્તન જોઈ તેને એકદા સ્નેહથી પૂછ્યું:
'બેટા, કેમ સૂકાતી જાય છે ? કોઈ દુઃખ છે ?'
ધન્યા મૌન રહી.
કિંતુ લક્ષ્મીએ કુશળતાથી તેની પીડા જાણી લીધી ને બીજી પળે એ ચિંતામાં ડૂબી ગઈ. રે, સિધ્ધ જુગારી બની ગયો છે ને અમે જાણતા પણ નથી ? લક્ષ્મીએ ધન્યાને કહ્યું કે આજે તું સૂઈ જજે, સિધ્ધ આવશે ત્યારે બારણા હું ખોલીશ !
મધરાત વીતી.
સિધ્ધ જુગારમાં મોટી મૂડી હારીને પાછો વળ્યો. બારણું બંધ હતું. એણે દરવાજો ખખડાવ્યો.
'કોણ ?' લક્ષ્મીએ અંદરથી પૂછ્યું.
સિધ્ધ થથરી ગયો: આ તો માનો અવાજ ! હવે ? સિધ્ધ ધીમેથી બોલ્યોઃ
'એ તો હું સિધ્ધ ! બારણું ખોલો !'
માનો અવાજ આવ્યોઃ
'બેટા, મધરાત પછી આ ઘરના બારણાં બંધ રહે છેઃ અત્યારે જ્યાં કમાડ ખુલ્લાં હોય ત્યાં જા !'
સિધ્ધ માતાના અવાજમાં રહેલી દ્રઢતા સમજ્યોઃ હવે દરવાજો આજે તો નહીં ખૂલે !
એ પાછો વળી ગયો !
જુગારનો અડ્ડો પણ બંધ થઈ ગયો હતો. નગરમાં અત્યારે જવું પણ ક્યાં ? એણે દૂર એક મકાનના દ્વાર ખુલ્લા જોયા. એ ત્યાં ગયો. એ જૈન સાધુનો ઉપાશ્રય હતો ! મુનિવરો ધર્મસ્વાધ્યાયને ધર્મસાધના કરતા હતાઃ નીરવ વાતાવરણમાં અપૂર્વશાન્તિ, પ્રસન્નતા લહેરાતા હતા.
સિધ્ધ કાષ્ઠની પાટ પર બેઠેલા આચાર્ય શ્રી ગંગર્ષિ પાસે પહોંચ્યો, નમ્યો. આચાર્યશ્રીએ તેના શિર પર પ્રેમથી હાથ ફેરવ્યો: સિદ્ધના નેત્રોમાંથી પોતાના સંસ્કારહીન જીવન માટે લજ્જા ટપકવા માંડી!
સાધુવરે પૂછ્યું: 'ભાઈ, કંઈ કહેવું છે ?'
'જી. મને દીક્ષા આપો !'
એણે પોતાની વાત માંડીને કરી.
પ્રાતઃકાળે આચાર્યશ્રીએ તેને શ્રમણનો વેશ આપ્યો.

જુગારી સિદ્ધ હવે સાધુ બન્યા....સંયમી બન્યા.....ત્યાગી બન્યા.....નિર્ગ્રંથ બન્યા....સિદ્ધ સિદ્ધપુરુષ જ હતા.માત્ર આજ સુધી એમને યોગ્ય દિશા મળી નહતી.જ્ઞાની ગુરુના સહવાશે સિદ્ધ સોના જેવા બન્યા પ્રતિભાનો વિકાસ થવા લાગ્યો. સિદ્ધર્ષિ થોડા સમયમાં જ્ઞાની બની ગયા.એમની પ્રતિભા ઝળકવા લાગી.
 જ્ઞાન ની સાથે ઉગ્રતપની તપશ્ચર્યા પણ એ મુની આદરતા.નવા નવા ગ્રંથો ની રચના માં તેઓ પ્રવીણ બની ગયા." ઉપદેશ માળા ની રચના તે તેમની સુંદર કૃતિ હતી. આચાર્ય મહારાજ ને શ્રી સંઘે વ્યાખ્યાનકાર નું બિરુદ આપ્યું હતું.
 વધારે અભ્યાસ માટે તેમને બૌદ્ધો ના મઠ માં જવાનું મન થયું,ગુરુદેવ પાસે રજા માગી....કે મારે બૌદ્ધો ના મઠ માં દર્શનશાસ્ત્ર નું તલસ્પર્શી જ્ઞાન મેળવવા જાઉં છે. " બૌદ્ધો ના મઠ માં જાઉં છે ? ગુરુદેવ ગર્ગશી આશ્ચર્ય ચકિત બની ગયા."
 " સિદ્ધ ત્યાં જવા માં પૂરેપૂરું જોખમ છે,પ્રમાણ નું જ્ઞાન મેળવવા જતા પ્રમાણાં ભાસ માં તુ ફસાઈ જઈશ,તેવી પૂરી શક્યતા છે.વાદ તો સારો કે જેમાં સત્યાસત્ય નો નિર્ણય થાય.પણ બૌદ્ધો નો વાદ તો વિતંડાવાદ નો છે.એનો સાદ પડતાજ ભલભલા ના હૈયા માં વિષાદ જન્મે છે. બૌદ્ધોની જાળ જુદી છે." એમાં આપ કૃપાએ હું નહી ફસાઉં ગુરુદેવ ! સિદ્ધે હઠ પકડી.
 ગુરુદેવે અનિચ્છાએ રાજા આપી પણ સાથે એક પ્રતિજ્ઞા આપી, કદાચ તને બૌદ્ધો ના સંગ થી રંગ લાગે તો આ ઓઘો મને આપવા અહી પાછો આવજે.પ્રતિજ્ઞા સ્વીકારી સિદ્ધ રવાના થયા.બૌદ્ધોની શાળા માં અભ્યાસ કરતા સિદ્ધર્ષિ ની બુદ્ધિ સતેજ હતી,યુક્તિઓ બીજાને આંજી દે તેવી હતી....અકાય્ય દલીલોને જ્યારે બૌધ્ધાચાર્ય સાંભળતા ત્યારે તેમના અંતરમાં એક વિચાર ઝબૂકી જતો, .....કે આવો બુદ્ધિશાળી બૌદ્ધોના ભિક્ષુસંઘમાં ભળે તો દુધમાં સાકાર મળે,રૂપ - ગુણ - જ્ઞાન બધુજ છે,માત્ર એને વેશ પરિવર્તન ની જરૂર છે.બૌધ્ધાચાર્ય બીજા બધા શિષ્યોને છોડી સિદ્ધર્ષિ પાછળ વધારે ધ્યાન આપતા.
 એક વખત સિદ્ધર્ષિ અને બૌધ્ધાચાર્ય એકાંત માં બેઠા હતા,અને વાત ઉપડતાં જણાવ્યું આ જગત માં બધું ક્ષણિક છે,વસ્તુઓ નો નાશ થાય છે,જગત માં જે બધું દેખાય છે તે ક્ષણિક છે. આમ વાત નો વિવાદ ચાલે જતો હતો, અને સિદ્ધર્ષિ પીછેહઠ કરી રહ્યા હતા,છેવટે તેમને બૌધ્ધાચાર્ય ની વાત સાચી સમજાવા લાગી,બુદ્ધ દર્શન પર ધીમે ધીમે દઢ અનુરાગ જામતો હતો,સિદ્ધ હવે બૌદ્ધ ના ઉપાસક બનવાની તૈયારી માં હતા,શુભ દિને તેમને ભિક્ષુસંઘ માં ભેળવી દેવાની તડામાર તૈયારી બૌધ્ધાચાર્ય કરી રહ્યા હતા, બધું બરાબર નક્કી થઇ ગયું હતું, સિદ્ધર્ષિ પણ તૈયાર થઇ ગયાં હતા.
 " આચાર્ય ! હું ભિક્ષુસંઘ માં જોડાવા તૈયાર છું પણ તમારી થોડી રજા લેવી પડશે, હું મારા ગુરુદેવ ને એમનો આપેલો ધર્મધ્વજ (ઓઘો) પાછો સોપીને આવું ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે."
 બૌધ્ધાચાર્ય ચકિત થઇ ગયા, જો છટકી જશે તો પાછો લાવવો ભારે પડશે,જેવી ગુરુએ પ્રતિજ્ઞા આપી તેવી બૌધ્ધાચાર્યે આપી કે ન આવવાનો હોયતો મને ના પાડી જજે. હા પાડી સિદ્ધર્ષિ વિદાય થયા ઓઘો પાછો આપવા.
 જ્ઞાની ગુરુદેવ જાણતા હતા, હૃદય થી તેમને સિદ્ધર્ષિ ને આવકાર્યો, ગુરુને નમસ્કાર કરતાંજ જ્ઞાન ચક્ષુ ખુલી ગયા.છતાં બૌધ્ધાચાર્ય સાથે થયેલ વાર્તાલાભની રજૂઆત કરી અને ઓઘો પાછો આપવા આવ્યો છું....એમ પણ કહી દીધું.
 ગુરુદેવે પોતાની વાણી ધ્વારા સિદ્ધર્ષિ ની ભ્રમણા ની બધી જાળો તોડી નાખી અને સત્ય નું ભાન કરાવ્યું. સિદ્ધર્ષિ એ ક્ષમા માગી અને કહ્યું ના પાડીને આવું છું. આમ વારંવાર આવ - જા ચાલુ હતી. બન્ને બાજુએ પાછા આવવાની પ્રતિજ્ઞા પાળતા જ, છેલ્લે ગુરુદેવ શ્રી ગર્ગષી પાસે ઓઘો પાછો આપવા આવ્યા.
 ગુરુદેવે વિચાર્યું મૂઢમતિ ને સમજાવાય આ તો વિચક્ષણ પુરુષ,વારંવાર આવ- જા કરવામાં તો એના જીવન નું શુ સરશે ? સિદ્ધર્ષિ ને પણ માર્ગ સૂઝતો નહોતો,છતાય પ્રતિજ્ઞા પાલન માં અચૂક હતા.
 હરિભદ્રસૂરીજી મહારાજનો લલિત વિસ્તરા ગ્રંથ સિદ્ધર્ષિ ના હાથમાં આપતા ગુરૂ બોલ્યા, " વત્સ ! આ ગ્રંથ બરાબર વાચી લેજે,મર્મ સમજજે, હવે તારે જવું કે રહેવું તે તારી ઈચ્છા પર છે.ગુરુદેવ રવાના થયા.
 ગ્રંથ નું વાંચન ચાલુ કર્યું, પંક્તિ એ પંક્તિ એ ભાવના ના રસ ઝરણા વહેતા જાય છે.પાવક જ્વાળાઓ પાપ પુંજને ભરખી રહી છે.આજ સુધી મન ઉપર થયેલી કલુષિતતા નાશ પામવા લાગી.આહ ! જૈન શાસન માં શુ નથી જેને હું શોધવા બહાર ભટકું છું. " આ ગ્રંથ મારા ઉપકાર માટે જ હરિભદ્રસુરીજી એ બનાવ્યો છે, વંદન મહા ઉપકારીને....."
 સિદ્ધર્ષિ ને પોતાની ભૂલ માટે ભારોભાર પસ્તાવો થયો હતો.
 ગુરુદેવ ! ભાન ભૂલેલા મારી સાન આપે આ ગ્રંથ થી ઠેકાણે લાવી છે,સત્ય નું સંપૂર્ણ જ્ઞાન મને આજ થયું છે, આપ આશીર્વાદ આપો હું બૌદ્ધમઠ માં વચન પ્રમાણે જાઉં છું.હવે શાસન નો ધ્વજ ફરકાવીને જ આવીશ.
 વત્સ ! સુખેથી જા હવે મને ચિંતા નથી.
 સિદ્ધર્ષિ બૌદ્ધ શાળામાં ગયાં, બૌધ્ધોને વાદ માં પરાસ્ત કર્યા,શાસન નો વિજય ધ્વજ લહેરાવી પાછા ફર્યા.
 ફરીને આજે ગુરૂ-શિષ્ય એકજ સિંહાસન ઉપર બિરાજ્યા હતા,ધર્મ દેશનાની ધારા સિદ્ધર્ષિ રેલાવી રહ્યા હતા.....ગુરુના મનમાં પૂર્ણ આનંદ હતો, સિદ્ધર્ષિ ના મનમાં ભૂલ નો એકરાર હતો,


આ સિધ્ધ તે આચાર્યશ્રી સિધ્ધર્ષિ ગણી. જિનશાસનના પ્રભાવક શ્રમણ અને જૈનોની વિખ્યાત કથા ઉપમિતિભવપ્રપંચા કથાના સર્જક. 


પ્રભાવના:-

'પ્રેમ સ્વાર્થની તળેટીમાં રમે તો બાધક અને નિઃસ્વાર્થ બનીને શિખર તરફ દોરી જાય તો સાધક !'
'એવો પવિત્ર પ્રેમ પામવા શું કરકવું જોઈએ ?'

'સર્વ ત્યાગ !'


- આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ’ સૂરિજી
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger